અષાઢના અંતે હજુ ખેડૂતોને વાવણીલાયક વરસાદની વાટ

550

ગાંધીનગર જિલ્લામાં વગર વરસાદે ૬૦ હજારથી પણ વધુ હેક્ટરમાં વાવેતર કર્યા બાદ ઉનાળા જેવી ગરમી પડવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને વાવેતરને બ્રેક મારી દિધી હતી. તંત્ર દ્વારા પણ કટોકટીના સમયે જ પાકને પિયત આપવા માટે ભલામણ કરી દીધી હતી ત્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી વાદળો છવાય છે.

પરંતુ હજુ જિલ્લામાં વાવણીલાયક વરસાદ પણ પડયો નથી તેથી ખેડૂતો મેઘરાજાને વધાવવા માટે થનગની રહ્યા છે. આ વચ્ચે જિલ્લામાં કરાયેલા ૬૦ હજાર હેક્ટર વાવેતરને પણ વરસાદ આવશે તો જીવતદાન મળશે તેવી આશા વાદળો બંધાવાની સાથે ફરી બંધાઇ છે.

સમગ્ર ગુજરાતમાં આ વખતે મેઘરાજાની ગેરહાજરીને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે તો બીજીબાજુ જુલાઇ માસના અંત સુધી પુરતો વરસાદ નહીં પડવાને કારણે જગતના તાતની સાથે સાથે સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ હતી. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ત્રણથી ચાર ઇંચ જેટલો જ વરસાદ અત્યાર સુધી પડયો છે તેમ છતા ગાંધીનગરના ખમીરવંતા ખેડૂતોએ વિવિધ પાકનું ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરી દીધુ છે. જો કે, જુલાઇ માસમાં વાતાવરણમાં ભેજ નહીં રહેવાની સાથે સાથે ગરમ આબોહવા રહેવાને કારણે ખેતીવાડી તંત્ર દ્વારા જ ખેડૂતોને વધુ વાવેતર નહીં કરવા માટે સુચન કર્યું હતું.

આ ઉપરાંત પાકની કટોકટીની આવસ્થાએ જ પિયત આપવા સહિતનું આકસ્મિક પાક આયોજન પણ કરવામાં આવ્યું હતું. તે વચ્ચે છેલ્લા ચાર દિવસથી ગાંધીનગરના આકાસમાં વાદળો છવાયાની સાથે ખેડૂતોમાં પણ વરસાદની આશા બંધાઇ છે. આવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના ખેડૂતો વરસાદની વાટ જોઇને બેઠા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે જ પિયતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

તો આગામી ત્રણ ચાર દિવસમાં સારો વરસાદ પડશે તો જિલ્લાના ૬૦ હજાર હેક્ટરમાં કરાયેલા વાવેતરને જીવતદાન મળશે. ખેડૂતોની સાથે સાથે ખેતીવાડી તંત્રમાં પણ મેઘરાજાને વધાવવા માટેનો અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં કપાસનું ૨૪ હજાર હેક્ટરમાં જ્યારે મગફળીનું ચાર હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું તો છેલ્લા દિવસોમાં દિવેલાનું વાવેતર ખેડૂતો દ્વારા ખાસ કરવામાં આળ્યું છે. દિવેલાનું અત્યાર સુધીમાં ૨૬ હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે.

Previous articleદૂધસાગર દૂધ ઉત્પાદકોને ભાવફેર આપશે, પશુપાલકોને ૧૬૦ કરોડનો વધારો અપાશે
Next articleઉન્નાવ દુષ્કર્મઃ અકસ્માતમાં કાકી-વકીલનું મોત, પીડિતાની હાલત ગંભીર