દેશના માહોલ પર ચિંતા વ્યક્ત કરનારા સામે કેસ દાખલ થયો

500

દેશના માહોલને લઇને ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનાર ૪૯ હસ્તીઓ પૈકી નવની સામે બિહારની એક કોર્ટમાં અપરાધિક કેસ દાખલ કરવામાં આવ્યા છે. દેશભરમાં થઇ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ અને જયશ્રી રામના નારાના દુરુપયોગને લઇને ચિંતા વ્યક્ત કરીને જુદા જુદા ક્ષેત્રોની ૪૯ હસ્તીઓ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો હતો. અરજી કરનાર વકીલ સુધીર ઓઝાનું કહેવું છે કે, તેઓએ બિહારની એક કોર્ટમાં કુલ ૯ હસ્તીઓની સામે એક અપરાધિક કેસ દાખલ કરી દીધો છે જેમાં અર્પણા સેન, રેવતી, કોંકણા સેનનો સમાવેશ થાય છે. આ તમામ સહિત ૪૯ હસ્તીઓએ દેશના માહોલને લઇને વડાપ્રધાનને પત્ર લખીને જાણી જોઇને દેશની પ્રતિષ્ઠાને ખરડવાના પ્રયાસો કર્યા છે. આ મામલાની આગામી સુનાવણી ત્રીજી ઓગસ્ટના દિવસે કરવામાં આવશે. આ પત્રમાં અર્પણા સેન, કોંકણા સેન, રામચંદ્ર ગુહા, અનુરાગ કશ્યપ, શોભા મુદગલ જેવા જુદા જુદા ક્ષેત્રોના દિગ્ગજોના હસ્તાક્ષર છે. મોદીને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, દેશભરમાં લોકોને જયશ્રી રામના નારાના આધાર પર ઉશ્કેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આમા દલિતો, મુસ્લિમો અને બીજા નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે.  આ પત્રમાં મોબ લિંચિંગને રોકવા માટે તરત પગલા ઉઠાવવાની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ કોંકણા સેન, અર્પણા સેન સહિત ૪૯ હસ્તીઓ દ્વારા વડાપ્રધાનને લખવામાં આવેલા પત્રના જવાબમાં ૬૧ અન્ય સેલિબ્રીટીઓએ પણ ખુલ્લો પત્ર જારી કર્યો છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ૪૯ હસ્તીઓ દ્વારા બિનજરૂરીરીતે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. દેશની પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસ થઇ રહ્યા છે. તમામ ઉપજાવી કાઢેલી બાબતોના આધાર પર આ ૪૯ હસ્તીઓ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. ઉપજાવી કાઢેલી ધારણા ઉભી કરીને દેશની પ્રતિષ્ઠાને ખોરવી નાંખવાના પ્રયાસ કરવાનો આક્ષેપ પણ કરાયો છે. ૪૯ હસ્તીઓના પત્રનો વિરોધ કરી જે ૬૧ હસ્તીઓ દ્વારા મોદીને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે જેમાં કંગના રાણાવત, લેખક પ્રસુન્ન જોશી, ફિલ્મ નિર્માતા મધુરભંડારકર અને વિવેક અગ્નિહોત્રી સામેલ છે. સેલિબ્રીટીઓની બે ટીમ આમને સામને આવી ગઈ છે. જો કે, ૪૯ હસ્તીઓ દ્વારા વડાપ્રધાનને પત્ર લખાયા બાદ આ તમામની ચારેબાજુ ટીકા થઇ રહી છે. તેમના ઉપર માહોલને ખરાબ કરવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

Previous articleઉન્નાવ દુષ્કર્મઃ અકસ્માતમાં કાકી-વકીલનું મોત, પીડિતાની હાલત ગંભીર
Next articleJDS અને કોંગીના ૧૪ બળવાખોરો અયોગ્ય જાહેર