કર્ણાટકમાં રાજકીય કટોકટીનો હજુ પણ સંપૂર્ણપણે અંત આવ્યો નથી. આવતીકાલે મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા બહુમતિ પુરવાર કરવા જઈ રહ્યા છે. યેદીયુરપ્પા બહુમતિ સાબિત કરે તેના એક દિવસ પહેલા જ કર્ણાટકમાં રાજકીય નાટકોમાં નવો વળાંક એક વખતે આવ્યો હતો જ્યારે વિધાનસભા અધ્યક્ષે જેડીએસ-કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. આ પહેલા વિધાનસભા અધ્યક્ષે ૩ ધારાસભ્યોને પણ અયોગ્ય જાહેર કર્યા હતા. કોંગ્રેસ-જેડીએસના ૧૬ ધારાસભ્યોએ પોતાની પાર્ટીમાં બળવો કરીને રાજીનામા આપી દીધા હતા જ્યારે સરકારને ટેકો આપી રહેલા એક અપક્ષે પણ રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદથી નાટકોના દોર વચ્ચે કુમારસ્વામી સરકારનું બહુમત પરીક્ષણમાં પતન થયું હતું.
ત્યારબાદ ઝડપી ઘટનાક્રમના ભાગરુપે યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. સ્પીકરના નિર્ણય બાદ આવતીકાલે વિશ્વાસ પરીક્ષણ વેળા કેવી સ્થિતિ સર્જાય છે તેના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. નવેસરના નિર્ણય બાદ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ૨૦૭ રહી ગઈ છે. જો બીએસ યેદીયુરપ્પાને બહુમત પુરવાર કરવા માટે ૧૦૪ ધારાસભ્યોની જરૂર છે. ભાજપની પાસે હાલમાં ૧૦૫ ધારાસભ્યો રહેલા છે. વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશકુમારે ગુરુવારના દિવસે ત્રણ અસંતુષ્ટ ધારાસભ્યોને વિધાનસભાની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી અયોગ્ય ઘોષિત કર્યા હતા. વિધાનસભાની અવધિ ૨૦૨૩ સુધી રહેલી છે. આનો મતલબ એ થયો કે, ગેરલાયક જાહેર થયેલા ધારાસભ્યો પેટાચૂંટણી લડી શકશે નહીં. આ સમયતી પહેલા વિધાનસભા ભંગ કરાશે તો ૨૦૨૩થી પહેલા આ લોકો ફરી ધારાસબ્યો બની શકે છે. આજે ૨૮મી જુલાઈના દિવસે સ્પીકરે જેડીએસના ધારાસભ્યો એચ વિશ્વનાથ, નારાયણ ગૌડા અનેગોપાલૈયાને અયોગ્ય જાહેર કર્યા હતા જ્યારે કોંગ્રેસના પ્રતાપ ગૌડા પાટિલ, શિવરામ, બીસી પાટિલ, બાસવરાજ, સોમશેખર, સુધાકર, નાગરાજ, શ્રીમંત પાટીલ, રોશન બેગ, આનંદસિંહને અયોગ્ય જાહેર કરાયા હતા.