જમ્મુ કાશ્મીર : ટેરર ફંડિંગ મામલે વ્યાપક દરોડા પડ્યા

512

ટેરર ફંડિંગના મામલામાં રાષ્ટ્રીય તપાસસંસ્થા એનઆઈએ દ્વારા આજે ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જુદી જુદી જગ્યાઓ ઉપર ચોક્કસ બાતમીના આધાર પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મળેલા વાંધાજનક દસ્તાવેજોના સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી મળી શકી નથી પરંતુ આ મામલામાં ગુપ્તતાપૂર્વક તપાસ ચાલી રહી છે. એનઆઈએના અધિકારીઓ દ્વારા સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાર સ્થળો ઉપર દરોડા પડાયા હતા. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને સાથે રાખીને એનઆઈએના અધિકારીઓ આ દરોડાની કામગીરીમાં જોડાયા હતા. હવાલા નેટવર્ક અને પાકિસ્તાનથી ટેરર ફંડિંગના કાવતરામાં સંડોવાયેલા હોવાની શંકાના આધાર પર એનઆઈએ દ્વારા જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરતપણે દરોડા પાડવામાં આવી રહ્યા છે. અલગ અલગ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

આ પહેલા ૨૩મી જુલાઈના દિવસે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના કેલર વિસ્તારમાં એનઆઈએ દ્વારા કારોબારી ગુલામ અહેમદ વાનીના આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રોસ એલઓસી ટ્રેડનું કામ કરનાર વાની ઉપર હવાલા નેટવર્ક અને પાકિસ્તાનથી ટેરર ફંડિંગના કાવતરામાં સામેલ હોવાની શંકાના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. એનઆઈએ દ્વારા જમાત ઉદ દાવા, લશ્કરે તોઇબા, હિઝબુલ મુઝાહિદ્દીન અને જમ્મુ કાશ્મીરના અન્ય અલગતાવાદી સંગઠનોની સામે ફંડ એકત્રિત કરવાને લઇને ૨૦મી મે ૨૦૧૭ના દિવસે એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એનઆઈએ દ્વારા ૧૩ આરોપીઓ સામે આ સંદર્ભમાં આરોપપત્રો દાખલ કરાયા હતા. અલગતાવાદીઓ હવાલા કારોબાર અને પથ્થરબાજીમાં સામેલ રહ્યા હોવાના અહેવાલ પણ આવી ચુક્યા છે.

ગયા મહિનામાં જ એનઆઈએ દ્વારા દાવો કરાયો હતો કે, કાશ્મીર ખીણમાં અલગતાવાદી ગતિવિધિને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાનમાંથી ટેરર ફંડિંગ કરવામાં આવે છે. હુર્રિયત કોન્ફરન્સ અને અન્ય કટ્ટરપંથી લીડરોની પુછપરછ કરવામાં આવ્યા બાદ તપાસ સંસ્થા એનઆઈએ તરફથી આ અંગેનો દાવો કરાયો હતો. એનઆઈએના અધિકારીઓના કહેવા મુજબ મુસ્લિમ લીગના નેતા મશરત આલમે અધિકારીઓ સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, પાકિસ્તાન સમર્પિત એજન્ટો વિદેશમાંથી પૈસા એકત્રિત કરે છે અને હવાલા ઓપરેટર મારફતે જમ્મુ કાશ્મીરમાં મોકલે છે.

Previous articleદેશના માહોલ પર ચિંતા વ્યક્ત કરનારા સામે કેસ દાખલ થયો
Next articleતા.૨૯-૦૭-ર૦૧૯ થી ૦૪-૦૮-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય