સોમનાથ મંદિરના કળશ આગામી સમયમાં સોનાથી મઢવામાં આવે એવું આયોજન ચાલી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી. કે. લહેરીએ ટ્રસ્ટની કામગીરી વિશે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરનાં ઘુમ્મટ પર ૧૫૦૦ કળશ છે. આ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં દાતાઓની મદદથી આ ભગીરથ આયોજન પરિપૂર્ણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૨૨૦૦થી ૨૫૦૦ યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપવા સક્ષમ છે. ટ્રસ્ટ દ્વારા વેરાવળની આજુબાજુના ૧૧ ગામોમાં ૧૦૦ના ટોકન દરે બીમાર ગાયોની સારવાર કરાય છે. સોમનાથ ખાતે યોજાયેલા ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના શુભારંભ પ્રસંગે આપેલા વક્તવ્યમાં તેમણે આ માહિતી આપતાં જણાવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ખેડૂતોની જેમ જ સાગરખેડૂ અને પશુપાલકોને પણ શૂન્ય ટકાનાં વ્યાજે ત્રણ લાખની મર્યાદામાં લોન આપશે. પશુમાંથી રોગ નાબુદ કરવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. આ માટે કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકાશે. ભારત સરકારે ડેરીના વિકાસ અને રીનોવેશન માટે રૂ.૬ હજાર કરોડની ફાળવણી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય માત્ર ખેતી ક્ષેત્ર પૂરતું સિમીત નથી.
પશુપાલન અને મધની ખેતીને પણ પ્રાધાન્ય આપી ખેડૂતોની આવક બમણી કરાશે. બીજા રાજ્યોની દેશી ગાયોની ઓળખ માટે પણ ભારત સરકારે આયોજન કર્યું છે. પ્રજાજનો ગાય આધારિત બનતી ચીજ-વસ્તુનો ઉપયોગ વધુમાં વધુ કરે તો આપો આપ તેની માંગ વધશે. હરી અને હરની ભૂમિમાં આગામી દિવસોમાં મધ ક્ષેત્રે ખેતી કરવા લોકોને પ્રોત્સાહન આપવા સોમનાથ ટ્રસ્ટને અનુરોધ કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટનાં સલાહકાર યશોદર ભટ્ટ, વેકરીયાએ પણ વક્તવ્યો આપ્યા હતા. ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈમાં સહભાગી થનારને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં રાજકોટના બાબુભાઈ બગડાઇ દ્વારા સોમનાથ ગૌશાળાને રૂા. ૫૧ હજારનું અનુદાન આપવામા આવ્યું હતું. સોમનાથ ખાતે આજે તા. ૨૮ જુલાઇના રોજ ગૌવંશ તંદુરસ્તી હરીફાઇ યોજાઇ હતી. જેમાં વિજેતા ગીરગાયનાં માલિકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય કામધેનુ ગૌસેવા આયોગનાં ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે, ગાયનું છાણ તાજું હોય ત્યારે તેમાં ૨૪ ટકા અને સૂકાય ત્યારે તેમાં ૩૪ ટકા ઓક્સિજન હોય છે. ગાયને લઇ કેન્દ્રના પ્રયાસો પ્રશંસનીય છે.