ભારે વરસાદ વચ્ચે સતત બીજા દિવસે અમરનાથ યાત્રા મોકુફ

398

વાર્ષિક અમરનાથ યાત્રામાં જુદા જુદા માર્ગો પર વરસાદના કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. માર્ગો જોખમી બની જવાના કારણે યાત્રાને આજે સતત બીજા દિવસે પણ મોકુફ રાખવામાં આવી હતી. પ્રવાસીઓને આગળ વધવા માટેની મંજુરી આપવામા ંઆવી ન હતી. જો કે શ્રદ્ધાળુઓ હાલમાં રાહ જોઇ રહ્યા છે.આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી જુદા જુદા કારણોસર ૨૯ શ્રદ્ધાળુઓ સહિત ૩૩ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં બે સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે. મોટાભાગના શ્રદ્ધાળુઓના મોત કુદરતી કારણોસર થયા છે. મળેલી માહિતી મુજબ અમરનાથ તરફ દોરી જતાં માર્ગ ઉપર ઘણી જગ્યાએ ઓક્સિજનની કમી થઇ જવાના લીધે હાર્ટએટેકના બનાવો બન્યા છે. આ વર્ષે આના લીધે વધુ મોત થયા છે જેના લીધે અમરનાથ મંદિર બોર્ડના અધિકારીઓ દ્વારા શ્રદ્ધાળુઓને નિયમિતપણે આરોગ્ય ચકાસણી કરાવવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે જેથી અમરનાથ મંદિર બોર્ડના અધિકારીઓ અને તંત્ર પણ ભારે ઉત્સાહિત છે. યાત્રા શરૂ થયા બાદથી બે વખત યાત્રાને મોકૂફ કરવામાં આવી છે. આ વર્ષે અમરનાથ યાત્રા પહેલી જુલાઇના દિવસે શરૂ થયા બાદથી ૧૫મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધને પરિપૂર્ણ થશે. અમરનાથ યાત્રાને સફળરીતે પાર પાડવા માટે આ વખતે વિશેષ આયોજન કરાયા હોવાથી વધુને વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ૪૦૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. ૨૮ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રા ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચતા એક નવો રેકોર્ડ સર્જાયો છે.

પવિત્ર ગુફામાં બરફથી બનતા શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં હજુ પણ પડાપડી થઇ રહી છે. શ્રદ્ધાળુઓ બે માર્ગ મારફતે અમરનાથના દર્શન કરી રહ્યા છે જે પૈકી ૧૪ કિલોમીટર લાંબા બાલતાલ ટ્રેક અને ૪૫ કિલોમીટર લાંબા પહેલગામ ટ્રેકનો સમાવેશ થાય છે.

Previous articleટી-૨૦ બ્લાસ્ટમાં ગુપ્ટિલનો ધમાકેદાર અંદાજ… ૧૮ બોલમાં અડધી સદી ફટકારી
Next articleહવે રેલ્વેમાં પહેલીવાર ટિકિટ માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરાશે