રાંદેર પાલનપુર જકાતનાકા નજીક મોડી રાત્રે એક યુવાનના હૃદય પર ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. બચત પર આપેલી ઓટોરિક્ષામાં નુકશાની ખર્ચ આપવાને લઈ બે દિવસથી ચાલી રહેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો. સમાધાન માટે આવેલા દતેશ ઉમેશ ભાઈ ટેલર અને તેના મિત્રોએ વાતચીત દરમિયાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ધનનજય અને તેના ભાઈઓ સહિત મિત્ર મનોજને પણ ઘા માર્યા હોવાનું બહાર આવ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો અને મોતને ભેટેલો ધનનજય ફ્રુટનો વેપારી હોવાનું બહાર આવ્યું છે.
આશિક (મૃતકનો મિત્ર) એ જણાવ્યું હતું કે ધનનજય મદન રાય (ઉ.વ. ૨૦ રહે દીપમાલા સોસાયટી, પાલનપુર જકાતનાકા રાંદેર) મૂળ બિહારનો વતની છે. સુરતમાં બે ભાઈઓ સાથે રહી ઘર નજીકના ફ્રુટ માર્કેટમાં ફ્રુટનો વેપાર કરતો હતો. ધનનજયના મિત્ર મનોજે કોઈની ઓટો રિક્ષા બચત પર લીધી હતી. ત્યારબાદ દતેશ ઉમેશભાઈ ટેલર નામના ઇસમને બચત પર આપી વચ્ચેનું ભાડું ખાતો હતો. જોકે, રિક્ષા પરત લેવાનો વારો આવતા દતેશે ઓટો રિક્ષામાં નખાવેલી સ્પીકર પેટી કાઢી લેવાની વાત કરી હતી. જે વાત ને લઈ ઝઘડો ચાલુ થયો હતો.
વધુમાં જાણવા મળ્યું હતું કે, ધનનજય હત્યા કેસમાં સંડોવાયેલા દતેશ અને મનીષને પણ ઘા મરાયા હોવાથી બન્નેની સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાય છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ હુમલાખોરો પૈકી કેટલાક દાખલ હોવાની ચર્ચાઓ બહાર આવી છે.