છેલ્લા ત્રણ મહિનાથી રાજ્ય સરકાર દ્વારા રસોઇ ખર્ચ માટે કુકિંગ ચાર્જ ચુકવાતા બાળકોને મધ્યાહન ભોજન અને નાસ્તો નહી પીરસે તેવી મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘે ચીમકી ઉચ્ચારી છે. સરકાર વિદ્યાર્થી દીઠ લોઅર પ્રાઇમરી માટે રૂપિયા ૨.૩૮ અને અપર પ્રાઈમરી માટે રૂપિયા ૩.૫૬ ચાર્જ ચુકવે છે. યોજનામાં કામ કરતા રસોઇયા અને મદદનીશોના વેતનમાં વધારો કરવાની સંઘે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત સાથે માંગણી કરી છે.
પ્રાથમિક શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન માટેની મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને કારમી મોંઘવારીમાં નજીવું વેતન અપાય છે. ઉપરાંત સરકાર આ યોજના બંધ કરવાની ફિરાકમાં હોય તેમ ત્રણ મહિનાથી કુકિંગ કોસ્ટ આપી નથી. માસિક રૂપિયા ૧૪૦૦ના વેતનમાં કામ કરતા રસોઇયા અને માસિક રૂપિયા ૫૦૦ વેતનમાં કામ કરતા મદદનીશ કર્મચારી ખર્ચ ભોગવે તેવો સરકારનો ઇરાદો હોવાનો અને કારમી મોંઘવારીમાં મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા ૯૬૦૦૦ રસોઇયા અને મદદનીશને લઘુત્તમ કરતા ઓછુ વેતન આપીને સરકાર શોષણ કરી રહ્યાંનો આક્ષેપ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યો છે. જો આ આક્ષેપ સાચા હોય તો ખરેખર આ બાબત ઘણી ગંભીર ગણી શકાય તેથી આ અંગે તપાસ કરવામા આવે તેવી માગણી થઈ છે.
સરકારે એક વર્ષથી મેનુ મુજબની વાનગીઓ બનાવવા અનાજનો જથ્થો આપ્યો નથી. જે સરકાર અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદીને આપે છે.તેથી આ અંગે યોગ્ય થાય તેવી માગણી થઈ રહી છે. મોંઘવારી વધી છે ત્યારે વિદ્યાર્થીઓને સાંજે નાસ્તો આપવાનું શરૂ કરાયું છે. પરંતુ કુંકિંગ કોસ્ટ નહીં વધારાતા કર્મીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વેતન અને કુકિંગ કોસ્ટ વધારો તથા નિયત જથ્થો નહી મળતાં મેનુ મુજબની વાનગીઓ નહીં બને. અનાજનો જે જથ્થો અપાશે તેમાંથી જ વાનગીઓ બની શકશે તેમ સંઘના પ્રમુખે જણાવ્યું છે.