રવિવારે રાત્રે અંબાજી પંથકમાં ૧૮૫ મીમી એટલે કે ૭ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે અંબાજી આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.
વહેલી સવારથી જ અંબાજીનો ગબ્બર ગઢ પણ વાદળોથી ઘેરાયેલો જોવા મળ્યો હતો. તો વરસાદને પગલે ગબ્બરથી ધોવાયેલી માટીથી બેસવાના બાંકડા, કેબિનો માટીમાં ખૂંપી ગઈ હતી. વરસાદને પગલે છેલ્લા દોઢ મહિનાથી ચિંતાતૂર બનેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો.
અંબાજી વિસ્તાર ઢાળ ઢોળાવમાં આવેલો છે. તેથી પાણી રોકાઈ શકે તેવી કોઈ જ વ્યવસ્થા નથી. અંબાજી પંથકમાં પડેલો વરસાદનો પાણી અંબાજી ગબ્બર પાછળ તેલિયા નદીમાં સરી જતું રહેતું હોય છે.
રાત્રે પડેલા વરસાદથી તેલિયા નદી પણ બંને કાંઠે થઈ હતી. નદી બે કાંઠે થતાં અને ખીલી ઉઠેલા સૌંદર્યને જોવા લોકો નીકળી પડ્યા હતા. વન વિસ્તારમાં મોસમની મોજ માણતા લોકો જોવા મળ્યા હતા
પ્રકૃતિ પ્રેમીઓના મતે તેલિયા નદી ઉપર સરકાર મોટો ડેમ બનાવે તો અંબાજી જ નહીં આસપાસના ગામડાઓમાં પણ પીવાના પાણીની સમસ્યા દૂર થઇ શકે તેમ છે. સાથે જ ડેમને નૌકા વિહાર માટે વિકસાવી શકાય તેમ છે.