સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની મુશ્કેલી હવે વધી ગઈ છે. રાયબરેલીના ગુરબખ્શગંજમાં એક ટ્રકે પીડિતાની કારને ટક્કર મારવાના મામલામાં તેમની સામે હત્યા, હત્યાના પ્રયાસ અને અપરાધિક કાવતરા જેવી કલમો ઉમેરીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. રવિવારના દિવસે ટ્રકની અડફેટમાં કાર આવી જતાં બેના મોત થયા હતા અને પીડિતા ગંભીરરીતે ઘાયલ થઇ હતી જે હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ટ્રકની અડફેટે કાર આવી જવાને લઇને ભારે હોબાળો મચી ગયો છે. ભારે દબાણ બાદ વહીવટીતંત્રએ હવે આ મામલામાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને ૨૦-૨૫ અન્યોની સામે હત્યા, હત્યાના પ્રયાસ અને અપરાધિક કાવતરા જેવી કલમો ઉમેરીને કેસ દાખલ કર્યો છે. કુલદીપસિંહ સેંગર ઉપરાંત જે લોકો ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં તેમના ભાઈ મનોજસિંહ સેંગરનો સમાવેશ થાય છે. રેપ અને પીડિતાના પિતાને માર મારવાનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ કુલદીપસિંહ સેંગર અને તેમના નાના ભાઈ અતુલસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે મનોજસિંહ સેંગર ઉપર આ મામલા સાથે સંબંધ નહીં હોવાના કારણે તે બહાર હતા. રાયબરેલીમાં રવિવારના દિવસે ઘટના બાદ તેઓ પણ લપેટામાં આવી ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા કુલદીપસિંહ સેંગરે બાંગરમઉથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. ૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં સેંગરે ઉન્નાવની ભગવંતનગર સીટ પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. કુલદીપસિંહ સેંગરે પોતાની રાજકીય કેરિયરની શરૂઆત કોંગ્રેસ સાથે કરી હતી. ૨૦૦૨માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલદીપસિંહ કોંગ્રેસ સાથે છેડો ફાડીને બહુજન સમાજ પાર્ટીમાં જતા રહ્યા હતા. ત્યારબાદ કુલદીપે ચૂંટણી મેદાનમં કોંગ્રેસના ઉમેદવારને મોટા અંતરથી હાર આપી હતી. બાહુબલી તરીકેની છાપ ઉભી થયા બાદ ૨૦૧૭થી પહેલા માયાવતીએ પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરી દીધી હતી ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સેંગરની મુશ્કેલી હવે જોરદારરીતે વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, તેમની સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. અકસ્માતને લઇને ભાજપના સાંસદોએ દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, હજુ આ મામલામાં કોઇપણ વાત સ્પષ્ટપણે કરી શકાય નહીં. પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે, આ દુખદ બાબત છે. દિલ્હીથી ભાજપના સાંસદ હંસરાજ હંસે કહ્યું છે કે, જો કોઇ કાવતરું છે તો તેમાં તપાસ થવી જોઇએ તેમાં કોઇ રાજનીતિ થવી જોઇએ નહીં.
ઉન્નાવ મામલાની દેશભરમાં ગૂંજ : આક્ષેપોનો દોર ચાલ્યો
ઉન્નાવ ગેંગરેપની ગુંજ આજે દેશભરમાં જોવા મળી હતી. લોકસભા અને રાજ્યસભામાં પણ આ મામલો ઉઠ્યો હતો. રાજ્યસભામાં સમાજવાદીના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું હતું કે, અલ્હાબાદ કોર્ટમાં કેસની સુનાવણી આજથી થનાર હતી. કમનસીબ બાબત છે કે, જો સુરક્ષા મળેલી હતી તે રજા ઉપર હતા. જે ટ્રકે ટક્કર મારી હતી તેની આગળ અને પાછળની નંબર પ્લેટ ઉપર ગ્રીવ્સ લાગેલા હતા. સપાના સાંસદે કહ્યું હતું કે, આ મામલામાં રેપ પીડિતાના પિતા જ્યારે કેસ દાખલ કરાવવા ગયા હતા ત્યારે તેમની ધોલાઈ કરવામાં આવી હતી અને તેમાં તેમનું મોત થયું હતું.
ત્યારબાદ યુવતીને મુખ્યમંત્રીના આવાસ ઉપર જવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રીના આવાસ ઉપર જ્યારે આપઘાતનો પ્રયાસ કર્યો ત્યારે સરકારને મામલાની તપાસના આદેશની ફરજ પડી હતી.
સપાના નેતા અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, આ કોઇ અકસ્માત નહીં બલ્કે કાવતરા તરીકે છે. અસાસુદ્દીન ઓવૈસીએ સમગ્ર મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આના ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, ભારતીય મહિલાઓ માટે એક નવા સ્પેશિયલ એજ્યુકેશન બુલેટિનની શરૂઆત થઇ છે. ભાજપના ધારાસભ્ય પર રેપ કરવાના આરોપ છે તો પ્રશ્ન કરી શકાય નહીં. આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે જે રીતે ઘટનાઓ બની છે તેમાં પુરાવા ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પીડિતાના મનોબળને તોડી પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે. મુખ્ય આરોપીની સામે મોટા નેતાઓ ઝુકી રહ્યા છે. વડાપ્રધાન બેટી બચાવો, બેટી પઢાવો સ્લોગન આપી ચુક્યા છે જેમાં પોસ્ટર બોય તરીકે સેંગર જેવા લોકો છે. રાજ્યસભાના સાંસદ કેટીએસ તુલસીએ કેસને ઉત્તરપ્રદેશની બહાર લઇ જવાની માંગ કરી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ આની નોંધ લેવામાં આવી છે.
ઉન્નાવ ગેંગરેપ : દરેક એંગલથી તપાસ કરવાની ખાતરી અપાઈ
ઉત્તરપ્રદેશના ચર્ચાસ્પદ ઉન્નાવ ગેંગરેપ કેસમાં પીડિતાની કાર સાથે ટ્રકની ભયાનક ટક્કર ખરેખર કોઇ દુર્ઘટના હતી કે પછી કાવતરાના ભાગરુપે જાણી જોઇને કારને ટક્કર મારવામાં આવી હતી તેને લઇને ઉત્તરપ્રદેશ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. લખનૌ રેંજના એડીસી રાજીવ કૃષ્ણએ આજે આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, રાયબરેલીની જેલમાં બંધ રહેલા પીડિતાના કાકા તરફથી માહિતી આપવામાં આવી હતી જેના આધાર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ટ્રકના ડ્રાઇવર, માલિક અને ક્લીનરની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી ચુકી છે.
પોલીસની આ બાબત સાથે પણ તપાસ ચાલી રહી છે કે, અકસ્માતથી પહેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અથવા તો તેમના સમર્થકોની ટ્રક સાથે જોડાયેલા ત્રણેય અપરાધીઓ પૈકી કોઇની સાથે વાતચીત થઇ હતી કે કેમ. ફોરેન્સિક ટીમ પણ તપાસના ભાગરુપે ઘટનાસ્થળે પહોંચી ચુકી છે.
એડીજી લખનૌ રાજીવ કૃષ્ણએ માહિતી આપતા કહ્યું છે કે, આ કોઇ અકસ્માત હતો કે પછી કાવતરાના ભાગરુપે અકસ્માત કરવામાં આવ્યો હતો તેનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે. મૃતકોના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યા છે જ્યારે ઘાયલોની સારવાર લખનૌમાં ચાલી રહી છે. એડીજીનું કહેવું છે કે, પીડિતોની સારવાર માટે દરેક ખર્ચને સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. ફોરેન્સિક ટીમ સાક્ષીઓના નિવેદન અને ટાયરોના નિશાન લઇને તપાસ કરી રહી છે. સીબીઆઈની ટીમ લખનૌ સ્થિત કેજીએનયુ ખાતે પહોચી ચુકી છે જ્યા પીડિતાની સારવાર ચાલી રહી છે. યુવતી સાથે ગેંગરેપના મામલામાં તપાસ પહેલાથી જ ચાલી રહી છે. એડીજીનું કહેવુંછે કે, જેલમાં રહેલા પીડિતાના કાકા તરફથી માહિતી મોકલવામાં આવી હતી. પોલીસ તેમના આધાર ઉપર જ કેસ નોંધી રહી છે. આ કેસ રાયબરેલીમાં કરવામાં આવી રહ્યો છે. પીડિતાના પરિવાર તરફથી એક પ્રાર્થનાપત્ર પણ આપવામાં આવ્યો છે જેમાં આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. એડીજીએ રવિવારના દિવસે જીવલેણ અકસ્માતના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું હતું કે, પીડિતાની કારની ટક્કર અને ટ્રક આમને સામને ટકરાઈ હતી. ટ્રકના ડ્રાઇવર, માલિક અને ક્લીનરની ધરપકડ કરી લેવામાં આવી છે. ટ્રક બાંદાથી રાત્રે એક વાગે મોરંગ લઇને રાયબરેલી માટે રવાના થયો હતો. સવારે ૧૦ વાગે ટ્રક ડ્રાઇવરે રાયબરેલીમાં પલ્ટી મારી દીધી હતી તે વખતે વરસાદ પડી રહ્યો હતો. એડીજીએ કહ્યું હતું કે, ટ્રકના નંબર પ્લેટને છુપાવવાને લઇને ટ્રક માલિકની પુછપરછ કરવામાં આવી રહી છે. ટ્રક માલિકનું કહેવું છે કે, ટ્રક ફાઈનાન્સ પર છે તેમની પેમેન્ટ કરવામાં આવી નથી. ફાઈનાન્સ વાળાથી બચવા માટે ટ્રકના નંબર ઢાંકીને રાખવામાં આવ્યા હતા. એડીજીએ કહ્યું હતું કે, અકસ્માતમાં પીડિતાની સાથે રહેલી તેની કાકી સીબીઆઈના સાક્ષી તરીકે હતી જેમનું મોત થયું છે. કોલ ડિટેઇલ અને અન્ય તમામ મામલાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
સીબીઆઈ ચકાસણી માટે યુપી સરકાર સંપૂર્ણ તૈયાર
ઉત્તરપ્રદેશના ચર્ચાસ્પદ ગેંગરેપ કેસમાં પીડિતા અને તેમના પરિવાર સાથે થઇ રહેલા અકસ્માતોની સીબીઆઈની તપાસ માટે સરકાર તૈયાર છે. ઉત્તરપ્રદેશ પોલીસના વડા ઓપી સિંહે પોતે આ અંગેની માંગ કરી છે. સિંહનું કહેવું છે કે, જો પીડિત પરિવાર દ્વારા માંગ કરવામાં આવશે તો આ મામલાને સીબીઆઈને સોંપવામાં આવશે. જો કે, પોલીસ વડાએ કહ્યું હતું કે, પ્રારંભિક તપાસથી આ મામલો માત્ર અકસ્માત દેખાય છે. સીબીઆઈ તપાસની માંગ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાઢેરા દ્વારા પણ કરવામાં આવી છે. ઓપી સિંહનું કહેવું છે કે, સમગ્ર મામલામાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. બીજી બાજુ અકસ્માતમાં ગંભીરરીતે ઘાયલ થયેલી પીડિતા હાલમાં હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. ટ્રોમા સેન્ટરમાં જઇને પરત ફરેલા અધિકારીઓ દ્વારા આજે આ અંગેની વાત કરવામાં આવી હતી.