પૂર્વ પ્રધાન વિઠ્ઠલ રાદડીયાનું ૬૧ વર્ષની વયે અવસાન

568

રાજયના પૂર્વમંત્રી અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું ૬૧ વર્ષની વર્ષે દુઃખધ નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થતાં રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી હતી. તેમના અંતિમ દર્શન આવતીકાલે તા.૩૦ જુલાઈના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી કન્યા છાત્રાલય, જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા આવતીકાલે તા.૩૦ જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. વિઠ્ઠલભાઇ રાદડીયાના નિધનને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ અનેક રાજકીય મહાનુભાવોએ ટવીટ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈના નિધન અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટિ્‌વટ કર્યું હતું કે,  પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. જ્યારે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટિ્‌વટ કર્યું હતું કે,  જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯-૭-૧૯ ને સોમવારના દિવસે દુઃખદ અવસાન થયેલ છે.અંતિમ દર્શન : તા.૩૦-૭-૧૯ મંગળવાર સવારના ૭-૦૦ થીબપોરના ૧૨-૦૦ કન્યા છાત્રાલય-જામકંડોરણા, સ્મશાન યાત્રા : તા.૩૦-૭-૧૯ મંગળવાર બપોરે ૧ -૦૦ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા. તો, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ  વિઠ્ઠલભાઈના નિધન અંગેે શોક વ્યક્ત કરતા ટિ્‌વટ કર્યું હતું કે, વિઠ્ઠલભાઇના નિધનથી હું ઘેરા શોક અને આઘાતની લાગણી વ્યકત કરુ છું. દરમ્યાન ગુજરાત રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીને પણ તેમના શોકસંદેશામાં જણાવ્યું હતું કે, પોરબંદરના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યકત કરું છુ અને શ્રધ્ધાંજલિ પાઠવું છું. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ઇશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

ઉલ્લેખનીય છે કે, વિઠ્ઠલ રાદડિયાનો જન્મ ગત તા.૮ નવેમ્બર, ૧૯૫૮ના રોજ જામકંડોરણામાં થયો હતો. ત્યાર બાદ તેમણે જામકંડોરણા તાલુકા પંચાયતનું પ્રમુખપદ સંભાળી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમની રાજકીય કારકિર્દી જોઇએ તો, તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (૧૯૮૭), ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (૧૯૯૦થી ૨૦૦૯), ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (૧૯૯૬થી ૧૯૯૮), સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(૧૯૯૭થી ૧૯૯૮), રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (૨૦૦૦થી ૨૦૦૩, આરડીસી બેંકના ચેરમેન(૧૯૯૫થી ૨૦૧૮ સુધી), ઇફકો, ન્યૂ દિલ્હી ડિરેક્ટર (૨૦૦૪થી ૨૦૧૯), સંસદસભ્ય પોરબંદર વિસ્તાર(૨૦૦૯થી ૨૦૧૯) સહિતની અનેક જવાબદારીઓ અને રાજકીય પદ સંભાળ્યા હતા. ગુજરાતના રાજકારણમાં વિઠ્ઠલભાઇ રાદડીયા મોટુ માથું ગણાતા હતા.

ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા : વડાપ્રધાન મોદીનું ટિ્‌વટ

વડાપ્રધાન મોદીએ ટ્‌વીટર પર ગુજરાતી ભાષામાં બે ટ્‌વીટ કરી અને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે લખ્યું ’પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે.

મુખ્યમંત્રી સહિતના નેતાઓએ રાદડિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

વિઠ્ઠલ રાદડિયાના નિધનના સમાચાર જાણ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટિ્‌વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે તેમજ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ સ્વર્ગસ્થને અંજલિ આપી છે. ઉપરાંત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા જેવા અનેક નેતાઓએ આ દિગ્ગજ નેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

Previous articleકામધેનુ ગૌસેવા દ્વારા રક્તદાન કેમ્પ
Next articleજાતિવાદ-વંશવાદને લોકોએ જાકારો આપ્યો છે : શિવરાજ