ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજરોજ સવારે સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વના પ્રદેશ સંયોજક ભાર્ગવ ભટ્ટ, સહ સંયોજક અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તથા સુરત શહેર અધ્યક્ષ નીતિન ભજિયાવાળા સહિતના ભાજપાના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ખાતે પત્રકાર મિત્રોને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જોડી રાષ્ટ્રીય સ્તરે દેશને નેતૃત્વ પુરુ પાડી સુરક્ષિત ભારત, વિકસિત ભારત, સશક્ત ભારત બનાવવા માટે સતત કાર્યરત છે. આજે સમગ્ર દેશની જનતાએ કોંગ્રેસના જાતિવાદ, વંશવાદ, પરિવારવાદને જાકારો આપી ભાજપાની ‘રાષ્ટ્રવાદ’ અને ‘વિકાસવાદ’ની વિચારધારાને અપનાવી ભાજપા પર વિશ્વાસ મુક્યો છે. ગુજરાતની જનતાને પ્રણામ કરતા ચૌહાણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અને લોકોને તેનાથી મળેલો સીધેસીધો લાભને કારણે ગત લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપાને જનતાનો પ્રચંડ જનાદેશ મળ્યો છે. ગુજરાતની જનતાએ ગત લોકસભા ચૂંટણી ૨૦૧૪ બાદ પુનઃ એકવાર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ગુજરાતની તમામ ૨૬માંથી ૨૬ બેઠકો પર ભાજપાને ભવ્યાતિભવ્ય વિજય અપાવી ઇતિહાસ સર્જી દીધો છે. ભાજપાની ‘રાષ્ટ્રપ્રથમ’ અને ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ની વિચારધારા સાથે જોડાઇને દેશભરની જનતાએ લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપાને ૩૦૩ બેઠકો તથા એનડીએને ૩૫૩ બેઠકો પર ઐતિહાસિક વિજય અપાવ્યો છે. ચૌહાણે જણાવ્યુ હતુ કે, ભાજપા વોટબેંકની રાજનીતિથી નહીં પરંતુ રાષ્ટ્રપ્રથમની ભાવનાથી ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ની સાથે સાથે ‘‘સૌના વિશ્વાસ’’થી દેશ ચલાવવામાં માને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની વિકાસયાત્રાને આગળ ધપાવવાની સાથે સાથે દેશની સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવાના પગલાં લઇ રહ્યા છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ માટે કાર્ય કરવાનો અવસર મળ્યો છે. ચૌહાણે અંતમાં જણાવ્યુ હતુ કે, સંગઠનપર્વમાં સંખ્યા વૃધ્ધિ તે માત્ર હેતુ નથી. પરંતુ આપણાં રાષ્ટ્રહિતના વિચારો જનજન સુધી પહોંચાડી દેશને વધુ સશક્ત અને પાર્ટીને હજુ વધુ મજબૂત બનાવવાની છે. ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન દ્વારા રાષ્ટ્રહિતના આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.