તાપીના કિનારાના ગામડાને એલર્ટ પર : તંત્ર પણ સાબદુ

835

ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લાનાં હથનૂર ડેમ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૭૨ મીમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્‌લો થઈ ગયો હતો. પરિણામે આજે હથનૂર ડેમના તમામ કુલ ૪૧ દરવાજા ખોલી દેવામાં આવ્યાં હતા. જેથી ડેમમાંથી પ્રતિ સેકંડ ૪ હજાર ૮૩૯ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જળગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોને એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે. હથનૂર ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે, જે ઉકાઈ ડેમમાં આવશે ત્યારે પરિસ્થિતિ જોખમાય નહી તેની અગમચેતીરૂપે તંત્ર દ્વારા અત્યારથી જ ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે. હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બ-હાણપૂર આ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૭૨ મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રનાં તાપી અને પુર્ણા નદીને મોટા પ્રમાણમાં પુર આવ્યા છે.

મોટા પ્રમાણમાં વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ વરસાદી સિઝનમાં પહેલીવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્દભવ થયો છે અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીમાં પુર આવતાં હથનૂર ડેમના પાણી વધી જતાં ૪૧ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. હથનૂર ડેમના અધિકારી કર્મચારીઓ ડેમ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અલબત્ત, હથનૂર ડેમનું પાણી હજુ એટલુ બધુ ઉકાઈ ડેમમાં આવ્યું નથી.  પરંતુ ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટી વધીને ૨૮૨.૪૩ ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક ૧૨,૭૬૩ ક્યૂસેક અને જાવક ૬૦૦ ક્યૂસેક છે. હથનૂરનું પાણી જેવું ઉકાઈ ડેમમાં આવશે કે સપાટીમાં ક્રમશઃ સારો એવો વધારો નોંધાશે અને ત્યારે પરિસ્થિતિ જોખમાય નહી તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ અગમચેતીના ભાગરૂપે સુરતની તાપીના કિનારાના વિસ્તારોના ગામો અને વિસ્તારોના લોકોને એલર્ટ કરી દેવાયા છે. તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ રહ્યો છે. બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદના લીધે પણ પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં પહોંચી રહ્યો છે. દરવાજાઓ ખોલવાની ફરજ પડી રહી છે. ભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્ર સંપૂર્ણપણે સાવચેત થયેલું છે.

Previous articleજાતિવાદ-વંશવાદને લોકોએ જાકારો આપ્યો છે : શિવરાજ
Next articleયાત્રાધામ અંબાજીમાં ૭ ઈંચ વરસાદ : ગબ્બરની માટી ધસતા કેબિન-બાંકડાઓ દટાયા