વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવિયન રિચર્ડસ વિરાટ કોહલીની પ્રબળ ટીમને ભારે પડકાર ફેંકવા માટે પોતાના રાષ્ટ્રની વર્તમાન ટીમ પર આશા રાખે છે.
ભારતીય ટીમ ૩જી ઑગસ્ટથી અમેરિકામાં ફલોરિડામાં શરૂ થતા પોતાના પ્રવાસમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ અને એટલી જ સંખ્યાની વન-ડે ઈન્ટરનેશનલ તથા બે ટેસ્ટ મેચ રમશે. બે ટેસ્ટ મેચ આઈ. સી. સી. ચૅમ્પિયનશિપના હિસ્સા તરીકે રમાનાર છે.
“ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી હંમેશાં રસાકસીભરી હોય છે અને હું આ વેળા પણ તે જ આશા રાખું છું તથા વર્તમાનના ફોર્મના આધારે કેરેબિયન ખેલાડીઓ ભારતને ભારે લડત આપી શકશે, એમ રિચર્ડસે એક ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રસાર માધ્યમોની યાદીમાં કહ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝમાં ૧૯૭૧ના પ્રવાસમાં પોતાનો યાદગાર ટેસ્ટ પ્રવેશ કરેલ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસકરે કહ્યું હતું કે કેરેબિયન ખેલાડીઓ માટે તેને માન છે.