ભાનુભાઈ વણકરના અંતિમ સંસ્કારમાં જનમેદની ઉમટી

621
gandhi20222018-2.jpg

પાટણ કલેકટર કચેરી ખાતે સમીના દુદખાના દલિત પરિવારની જમીન મુદ્દે ઊંઝાના ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું હતું. ઘટનાના ૫૪ કલાક બાદ પરિવાર અને સરકાર વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાનની ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને નૌશાદ સોલંકીએ જાહેરાત કરી હતી. ત્યારબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. બપોરે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર પહેલા અંતિમયાત્રા નીકળી હતી. તેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જોડાયા હતા.
સારવાર માદ ભાનુભાઈનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર લેખિતમાં માંગણી ન સ્વીકારી ત્યાં સુધી મૃતદેહનો કબજો પરિવારે લીધો ન હતો. ગઈકાલે મોડી રાત્રે ઘટનાના ૫૪ કલાકબાદ ભાનુભાઈના મૃતદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. સવારે ભાનુભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે ઊંઝામાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉમટી પડ્યા હતા. જય ભીમના નાદ સાથે ભાનુભાઈની શહીદીને વધાવવામાં આવી હતી.
ભાનુભાઈનું નિધન થતાં તેમના મૃતદેહને એપોલો હોસ્પિટલથી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. દરમિયાન પરિવાર અને સમાજના લોકોએ સરકાર લેખિતમાં બાંહેધરી ન આપે અને માંગ ન સ્વીકારે તો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના પગલે ઉત્તરગુજરાત અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. એક અંદાજ પ્રમાણે પોલીસે ૧૫૦૦ જેટલા પ્રદર્શનદારીઓની અટકાયત કરી હોવાનું માનવામાં આવે છે.

Previous articleગુસ્તાખી માફ
Next articleપોલીસે કારનો પીછો કરીને ૪૩૨૦૦નો વિદેશી દારૂ પકડ્‌યો