વડોદરા શહેરના નર્મદા ભવન ખાતે આવેલા જન સુવિધા કેન્દ્રમાં સતત ત્રીજા દિવસે સર્વર ડાઉન રહેતા માં કાર્ડ, પેન્શન, રેશન કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો જેવા વિવિધ કામો માટે આવેલા લોકોના કામ ન થતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને સુવિધા કેન્દ્રમાં તોડફોડ કરી હતી. છેલ્લા ૩ દિવસથી ધક્કા ખાઇ રહેલા લોકોનું આજે પણ કામ ન થતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકો તોડફોડ શરૂ કરતા સુવિધા કેન્દ્રના સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. નોંધનીય છે કે, સોમવારે પણ સર્વર ડાઉન હોવાથી લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
શહેરીજનોના એક છત નીચે આવકનો દાખલો, રેશન કાર્ડ, માં કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ, પેન્શન જેવા વિવિધ કામો થઇ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા નર્મદા ભવન સહિત સરકારી અર્ધસરકારી કચેરીઓમાં જન સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અને આ જન સેવા કેન્દ્રો ચલાવવા માટે ખાનગી ઇજારદારોને કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ ખાનગી ઇજારદારો દ્વારા પુરતો સ્ટાફ મૂકવામાં આવતો ન હોવાથી અવાર-નવાર જન સેવા કેન્દ્રો ઉપર હોબાળા થાય છે. છતાં તંત્ર દ્વારા જન સેવા કેન્દ્રમાં લોકોને સુવિધા મળી રહે તેવા કોઇ પગલાં ભરવામાં આવતા નથી.