તાંત્રિક વિધી માટે શેળાનું ૧૦ લાખમાં વેંચાણ કરતાં ૬ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. વન વિભાગ દ્વારા સામાજિક સંસ્થાઓને સાથે રાખીને શેડ્યૂલ ૪માં આવતા પ્રાણીનું વેચાણ કરવા માટે આવનાર દ્વારકા અને જામનગર પંથકના છ શખ્સોને ઝડપી લીધા છે. અને દંડ વસુલવા સહિત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોરબંદર વનવિભાગને એવી બાતમી મળી હતી કે વન્ય પ્રાણી શેળાનું તગડી રકમ મેળવી તાંત્રિકવિધિ માટે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી વન વિભાગની ટીમે સામાજિક અને પર્યાવરણીય સંસ્થાઓને સાથે રાખીને છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું. શેડ્યૂલ ૪ના પ્રાણી શેળાનું વેચાણ કરનારનો સંપર્ક કરી વન્યપ્રાણી શેળાની ખરીદી કરવા માટે એક ડમી ઉમેદવાર ઉભો કર્યો હતો અને શેળાનું વેચાણ કરનારાઓને બોલાવવામાં આવ્યા હતા.
પોરબંદર શહેરમાં આવેલ પક્ષી અભ્યારણ નજીક મોડી રાત્રે શેળાનુ વેચાણ કરવા માટે દ્વારકા અને જામનગર જિલ્લાના ચાર જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ તેમને ઘેરી લીધા હતા. અને ચાર જેટલા શખ્સો પાસેથી શેળાને લઈ તેમની ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા જામજોધપુર પુરથી તેમની પણ ધરપકડ કરી હતી. આમ ૧૦ લાખની કિંમતે શેળાનુ વેચાણ કરવા માટે આવનાર શખ્સો પાસેથી દંડ વસુલવો સહીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.