હરિયાણાથી સૌરાષ્ટ્ર તરફ લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો બાવળા-બગોદરા હાઇવે પર તારાપુર ચાર રસ્તા પાસેથી અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ભુસાની થેલીઓની આડમાં આ દારૂનો જથ્થો સંતાળવામાં આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.
ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, હરિયાણા પાસિંગની ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો બાવળા-બગોદરા હાઇવેથી પસાર થવાનો છે, જેના આધારે તારાપુર ત્રણ રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી ટ્રકની તાળપત્રી હટાવી તપાસ કરતા અંદર ભૂસાની થેલીયો મળી આવી હતી. આ થેલીઓની પાછળ તપાસ કરતા પોલીસને પાર્ટી સ્પેશિયલ વિદેશી દારૂની ૬૨૦ પેટીઓ( કિંમત, ૨૯.૬૬ લાખ) મળી આવી હતી. પોલીસે હરિયાણાના રહેવાસી ઠંડીરામ જાઠ અને ધરમવીર જાઠની ધરપકડ કરી છે. ૩૦ લાખનો દારૂ, ભૂસાની બેગો અને ટ્રક સહિત રૂપિયા ૪૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી કોને દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને કોને મોકલાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.