ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી શિહોલી ગામમાં રહેતા ર૧ વર્ષીય યુવાનનો આજે સવારના સમયે દશેલા ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનના માથાના ભાગે હથિયારથી હુમલો કરાયાના નિશાન મળી આવતાં ચિલોડા પોલીસે યુવાનના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કયા કારણોસર આ યુવાનની હત્યા થઈ તે જાણવા માટે પોલીસે પરિવારજનોના નિવેદન પણ નોંધવાની તજવીજ શરૂ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા દશેલા ગામના તળાવમાં સવારના સમયે એક યુવાનનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ગામના સરપંચને કરી હતી અને ત્યારબાદ આ અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આ યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેના ખિસ્સામાંથી મળેલા આઈકાર્ડના આધારે આ યુવાન મોટી શિહોલી ગામમાં રહેતો ર૧ વર્ષીય પાર્થ પ્રફુલભાઈ જોષી હોવાનું બહાર આવ્યું હતું.
જેથી પોલીસે આ અંગે તેના પરિવારજનોને જાણ કરી હતી. યુવાન પાર્થ ગઈકાલ સાંજથી ઘરેથી બહાર જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. ત્યારબાદ પ્રાથમિક તપાસમાં યુવાનના માથાના ભાગે કોઈ હથિયારથી ઈજા પહોંચાડાઈ હોવાનું પણ જણાતાં તેની હત્યા કરીને તેના મૃતદેહને તળાવમાં ફેંકી દેવાયો હોવાનું માલુમ પડયું હતું. જેના આધારે ચિલોડા પોલીસે યુવાનના પિતા પ્રફુલભાઈ જોષીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ ઈન્સ્પેકટર જે.બી.પંડિતે જણાવ્યું હતું કે યુવાન મહુન્દ્રા ગામમાં પાણીના પ્લાન્ટમાં કામ કરતો હતો અને કયા કારણોસર તેની હત્યા થઈ તે જાણવા માટે પોલીસ તમામ થિયરી ઉપર તપાસ કરી રહી છે.