ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલે વિપુલ ચૌધરીને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૯ કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ કર્યો

704

વિપુલ ચોધરીને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં ૯ કરોડ રૂપિયા જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, રૂપિયા ૨૨.૫૦ કરોડની રિકવરી મુદ્દે વિપુલ ચૌધરીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. ત્યારે ટ્રિબન્યુનલે વિપુલ ચૌધરીને ઝટકો આપ્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગેરરીતિના કેસમાં ડેરીના ચેરમેન પદેથી હટાવવા હાઇકોર્ટના આદેશ બાદ તેની ધરપકડ કરાઇ હતી. તેઓ જ્યારે ડેરીના ચેરમેન હતા તે દરમિયાન ડેરીના ફંડમાંથી સભ્યોની મંજૂરી વિના જ મધ્યપ્રદેશને ૨૨.૫૦ કરોડનો ચારો આપીને વિશ્વાસઘાત કર્યો હતો.

કરોડો રૂપિયાના સાગરદાળ કૌભાંડ સાબિત થતાં તેમને ચેરમેન પદેથી છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી વિરૂદ્ધ રજીસ્ટ્રારથી લઇને સુપ્રીમકોર્ટ સુધી પીટીશન દાખલ થઇ હતી, અને તેમનું કૌભાંડ સાબિત થતા તેમની ધરપકડ થઇ હતી. જોકે વિપુલ ચૌધરીએ સાગર દાણ કૌભાંડ મામલે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા.

સાગર દાણ કૌભાંડ કેસની તપાસમાં ખુલાસો થયો હતો. જેમાં આરોપી વિપુલ ચૌધરીએ કોર્ટ સાથે ઠગાઈ કરીને વિદેશ પ્રવાસ કર્યો હતો. વિપુલ ચૌધરીનો પાસપોર્ટ ૨૦૧૮થી કોર્ટ કસ્ટડીમાં છે. તેણે કેન્સલ થયેલો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. રીન્યુ કરાવેલા પાસપોર્ટના આધારે તેણે વિદેશ પ્રવાસ કર્યો હતો. એપ્રિલ ૨૦૧૮થી ઓગસ્ટ ૨૦૧૮ દરમિયાન વિપુલ ચૌધરીએ આ પ્રવાસ કર્યો હતો. બી-ડિવિઝનના પીઆઈ મોડિયાએ હાઇકોર્ટમાં કરેલા સોગંદનામાં આ હકીકત સામે આવી હતી. આ સોગંદનામાના પેરેગ્રાફ નંબર ૧૩માં તેમણે આ હકીકતનો ઉલ્લેખ કર્યો હતો. પાસપોર્ટ કોર્ટમાં સરન્ડર હોવા છતાં તેણે વિદેશ પ્રવાસ કર્યો હતો. સોગંદનામું મહેસાણા ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે વિપુલ ચૌધરીએ જામીનની શરતોનો ભંગ કરતા સરકાર જામીન રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરશે.

Previous articleશામળાજી નજીક ડસ્ટર કાર આગમાં સ્વાહા  કારમાં સવાર ૫ લોકોનો આબાદ બચાવ
Next articleક્રાઇમ બ્રાન્ચના અધિકારી બની શહેરીજનોને લૂંટતો ગુંડો ઝડપાયો