રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ – ચાર દિવસ સુધી ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ત્યારે અન્ય જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે પરંતુ પાટનગરમાં જ ભારે વરસાદની અસર જોવા મળતી ન હોય તેમ દિવસ દરમિયાન વાદળો તો છવાયા હતા પરંતુ છુટો છવાયો વરસાદ પડયો હતો. આમ શહેરમાં સોમવારે ૧૮.૫ એમ.એમ. વરસાદ વરસ્યો હતો. ત્યારે અત્યાર સુધી શહેરમાં ફક્ત પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે.
ચોમાસાની મોસમનો આમ તો જુનના મધ્યમાંથી વિધિવત રીતે પ્રારંભ થઇ જતો હોય છે પરંતુ આ વર્ષે મેઘરાજા પણ રીસાયા હોય તેમ મન મુકીને વરસી રહ્યા નથી ત્યારે હવામાન ખાતા દ્વારા પણ ભારે થી અતિ ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં મન મુકીને મેઘ મહેર થઇ રહી છે પરંતુ ક્યાં કારણોસર હજુ સુધી રાજ્યના પાટનગરમાં મેઘરાજા મહેરબાન થયા ન હોય તેમ જુલાઇ માસ પુર્ણ થવાના આરે છે ત્યાં સુધી ફક્ત પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે પણ રાજ્યના પાટનગરમાં સોમવારે ફક્ત છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે પરંતુ જોઇએ તેટલો વરસાદ નહીં વરસતાં હજુ પણ ઉકળાટનો સામનો લોકો કરી રહ્યાં છે.ત્યારે સોમવારે ફક્ત ૧૮.૫ એમ.એમ. જેટલો વરસાદ દિવસ દરમિયાન પડયો હતો.
આમ વધુ વરસાદની વાટ જોતાં નગરજનો પણ હાલમાં હેરાન થઇ રહ્યાં છે. ત્યારે આ વર્ષે શરૂ થયેલી ચોમાસાની મોસમમાં અત્યાર સુધી ફક્ત પાંચ ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસ્યો છે. દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ પડતાં શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો સવારના સમયે શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ હેરાન પરેશાન થવું પડયું હતું.