ઉન્નાવ કાંડને લઇને રાજનીતિ ગરમ બની રહી છે. એકબાજુ વિરોધ પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ લડાયક મૂડમાં દેખાઈ રહી છે. આજે કોંગ્રેસ પાર્ટીએ આ મામલાને લોકસભામાં ઉઠાવ્યો હતો. સંસદથી લઇને રસ્તાઓ સુધી ઉન્નાવ કાંડને લઇને હોબાળો રહ્યો હતો. એકબાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. તેઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર પ્રહાર કર્યા હતા. અખિલેશે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ઉપર વિશ્વાસ કરી શકાય તેમ નથી. બીજી બાજુ પ્રિયંકા ગાંધી અને માયાવતીએ પણ સરકાર પર મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા પણ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી. કેજીએમયુ પહોંચેલા અખિલેશ યાદવે કહ્યું હતું કે, ઘટનાથી સમગ્ર ઉત્તરપ્રદેશ જ નહીં બલ્કે દેશની માતા બહેનો હચમચી ઉઠી છે. ન્યાય મળી રહ્યો નથી. યોગીના શાસનકાળમાં ગંભીર બનાવો બની રહ્યા છે.
વકીલ અને પીડિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જીવન બચશે કે કેમ તે અંગે કહી શકાય નહીં. ભાજપના લોકોએ ભુલવું જોઇએ નહીં કે, ઉત્તરપ્રદેશમાંથી જ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મળ્યા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભાજપનું શાસન રહેલું છે. માયાવતીએ પણ મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગરેપ પિડિતાની ગાડીને ટ્ર્ક દ્વારા અડફેટે લેવાની ઘટનામાં પિડિતાની કાકી અને અન્ય એકના મોતના મામલે આજે ભારે ધાંધલ ધમાલ થઇ હતી. લોકસભામાં આ મામલે સામ સામે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અદીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે આ મામલો ખુબ સંવેદનશીલ હોવાથી કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ નિવેદન કરીને તમામને વિશ્વાસમાં લે તે જરૂરીમાં છે. ચોધરીએ કહ્યુ હતુ કે આ ઘટનાના કારણે તમામ લોકો શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયા છે. ચોધરીના આ નિવેદન બાદ ભાજપના સાંસદ જગદમ્બિકાપાલે કહ્યુ હતુ કે દુર્ઘટનામાં સામેલ ટ્રક સમાજવાદી પાર્ટીના અવધપાલ સિંહની છે. જો કોઇને લાગે છે કે આ કોઇ કાવતરુ છે તો આ કાવતરામાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો સામેલ હોઇ શકે છે. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ કોંગ્રેસના નેતા અધીર રંજન ચોધરીએ લોકસભામાં ઉન્નાવ રેપ પિડિતા અને તેના પરિવારની સાથે ઘટેલી અકસ્માતની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આજે સમગ્ર દેશની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. તેમણે કહ્યુ હતુ કે ઉત્તરપ્રદેશમાં ઉન્નાવમાં જે ઘટના બની છે તેના કારણે સભ્ય સમાજને ફટકો પડ્યો છે. જે ઉત્તરપ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાની વાત થઇ રહી છે ત્યાં એક પછી એક શરમજનક ઘટના બની રહી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન નિવેદન કરે તે જરૂરી છે. તેમના નિવેદન બાદ કોંગ્રેસી સભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના હોબાળા વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના કહેવા પર સંસદીય કાર્ય પ્રધાન જોશીએ નિવેદન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે આ સંવેદનશીલ મુદ્દા પર રાજનીતિ થવી જોઇએ નહીં.