દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : ધરમપુરમાં ૧૨ ઇંચ

784

દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ અને ડાંગમાં આજે પણ અનેક જગ્યાઓએ ભારેથી અતિભારે વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો જેમાં રાજકોટનો સમાવેશ થાય છે. વલસાડ, ડાંગ, સુરત, નવસારી, તાપી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જારી રહ્યો છે જેના લીધે જનજીવન ખોરવાઈ જવાની સાથે સાથે તમામ વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ જેવા વિસ્તારોમાં પણ ઘણી જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મોનસુન જોરદારરીતે સક્રિય થઇ ગયું છે. આના પરિણામ સ્વરુપે ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ૧૨ ઇંચ વરસાદ જ્યારે કપરાડામાં આઠ, પારડીમાં છ ઇંચ વરસાદ થયો છે. રાજકોટમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. ૩૪ તાલુકાઓમાં બેથી ચાર ઇંચ, ૧૨ તાલુકાઓમાં ચારથી છ ઇંચ વરસાદ થયો છે. રાજયમાં આજે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વધુ મહેરબાન થયા હતા. જેમાં રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. લોકોના ઘરોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ સિવાય રાજકોટના હડમતીયામાં છ ઇંચ તો, ધ્રોલમાં સાત ઇઁચથી વધુ વરસાદ ખાબકયો હતો. ધ્રોલના લતીપુરમાં તો અતિ ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતાં જળબંબાકારમય સ્થિતિ સર્જાઇ હતી. તો, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદ સહિતના પંથકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. નવસારીની અંબિકા નદી નવા નીરની આવક થતાં ભયજનક સપાટીએ વહેતાં તંત્રએ કિનારાના અને આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા હતા અને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડયા હતા. ભાદર નદીમાં ઘોડાપૂર આવતાં લોકો નદીના પૂર જોવા ઉમટયા હતા. મોરબીના મચ્છુ ડેમમાં પણ પાણીની આવક વધી હતી. આ જ સિવાય સુરત, તાપી, નવસારી, ભરૂચ અને ડાંગ પંથકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. કચ્છના નલિયા અને અબડાસામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતા ત્યાં પણ સર્વત્ર પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઇ હતી. રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાતા ્‌સ્થાનિક કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી હતી. હડમતિયાના ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બનીને આવતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.  ધ્રોલના લતીપરમાં ૭ ઇંચ અને ધ્રોલમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો પડધરી, કોટડાસાંગાણીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટ આજી-૨ ડેમ ઓવરફ્‌લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્‌લો થતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા  હતા. બીજીબાજુ, રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં દસ ઈંચથી વધુ વરસાદ નોંધાતા ભારે જળબંબાકારની સ્થિતિ બની હતી. ભારે વરસાદના પગલે અનેક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું હતું. વરસાદી પાણી લોકોના ઘરો અને ખેતરોમાં ફરી વળતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.  રાજકોટમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ભરાયા હતા. પાણીનો ઘરમાં ભરાવો થતા લોકોની ઘરવખરી અને માલસામાન-ચીજવસ્તુઓ પલળી ગયા હતા. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરમાં ગરનાળા બંધ કરવાની ફરજ પડી હતી. શહેરના લક્ષ્મીનગર અને મોદી સ્કૂલ પાસે આવેલા ગરનાળા બંધ કરાયા હતા. કેટલાક વિસ્તારમાં તો એટલો ધોધમાર વરસાદ પડ્‌યો હતો કે, લોકોના ઘરોમાં ૪ ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા. સામાકાંઠે ૬ ઈંચ, મધ્ય રાજકોટમાં પોણા ૬ ઈંચ, કાલાવડ રોડ વિસ્તારમાં ૫ ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદનાં કારણે રાજકોટનાં રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. આ અંડરબ્રીજમાં એક કાર પણ ફસાઈ હતી. કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલા રેલનગર અંડરબ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને રસ્તાઓ બંધ થઈ ગયા હતા. રાજકોટમાં ભારે વરસાદને પગલે તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ધોધમાર વરસાદને પગલે આજી-૧ પોણો ફૂટ, આજી-૨ ઓવરફ્‌લો, ન્યારી-૧માં અડધો ફૂટ, ભાદર ડેમમાં ૦.૩ ફૂટ નવા નીરની આવક થઈ છે. આજી-૨ ડેમના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. આજી-૨ ડેમ ઓવરફ્‌લો થતા ખેડૂતોમાં ખુશીનો મોહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મોરબીના મચ્છુ -૨ ડેમમાં અઢી ફૂટ પાણી આવ્યું છે અને મચ્છુ- ડેમમાં ૫ ફૂટ નવા નીરની આવક થઈ છે.

લોધિકા તાલુકાના પામભાર ઈટળા ગામે ધોધમાર વરસાદ પડતા ડોડી જળસંપત્તિ ડેમ ઓવરફ્‌લો થઈ ગયો છે. એક જ રાતમાં પડેલા ભારે વરસાદને લઈને ડેમ ઓવરફ્‌લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે ધ્રોલ પાસેનું લતીપર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને લઈને લતીપર ગામ સંપર્કવિહોણું બન્યું હતું. ધ્રોલ પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદી જોર વચ્ચે લાલપુર તાલુકાના ૧૮ જેટલા ગામ વીજળી વિહોણા બન્યા હતા.

Previous articleવિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન
Next articleબરવાળાના રોજીદ ગામ પાસે નર્મદા માઈનોર કેનાલમાં ગાબડુ