બરવાળા તાલુકાના રોજીદ ગામ પાસે આવેલ લીંબડી બ્રાંચની માઈનોર નર્મદા કેનાલમાં પાણી ભરાતા મસમોટુ ગાબડુ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો જયારે ગાબડામાંથી વહેતુ પાણી આજુબાજુના ખેડુતોના ખેતરમાં ફરી વળતા ઉભા પાક તેમજ જમીન ધોવાણ થતા ખેડુતોને આર્થિક નુકશાની પડતા આક્રોશ વ્યાપી ગયો હતો જયારે કેનાલના અધિકારીઓ ગાબડા પડયાને લાંબો સમય વિત્યો છતા સ્થળ ઉપર નહિ ફરકતા તંત્રના અધિકારીઓ પ્રત્યે ખેડુતોમાં ઘેરો રોષ વ્યાપી ગયો હતો ત્યારે નર્મદા કેનાલમાં પડતા ભ્રષ્ટાચારના ગાબડા કયારે બંધ થશે તે અંગે સવાલો ઉઠવા પામ્યા છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામ પાસેથી નર્મદા મહિપરીએજની લીંબડી બ્રાંચ કેનાલમાંથી અલગ પડતી એલ.ડી.૧૪ કેનાલ પસાર થાય છે જે કેનાલમાં તા.૩૦ના રોજ સવારના ૮ઃ૦૦ વાગ્યાના અરસામાં મસમોટુ ગાબડુ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો જયારે કેનાલના ગાબડામાંથી વહેતુ પાણી આજુબાજુના ખેડુતોના ખેતરમાં ફરી વળતા ઉભા પાક તેમજ જમીન ધોવાણ થતા ખેડુતોને નુકશાન થવા પામ્યુ છે. આ અંગે રોજીદ ગામના ખેડુતો પાસેથી મળતી વિગત અનુસાર લીંબડી બ્રાંચ કેનાલમાંથી અલગ પડતી એલ.ડી.૧૪ કેનાલનું બાંધકામ પાંચેક વર્ષ પહેલા કરવામાં આવ્યુ હતુ આ કેનાલમાં ખેડુતોને ખેડુતોની માંગણીને લઈ અમુક સમયે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે જયારે સમગ્ર પંથકમાં ધીમીધારે વરસાદ થતા કેનાલમાં પાણીના જથ્થામાં વધારો થતા કેનાલમાં તા.૩૦ના રોજ સવારના ૮ઃ૦૦ કલાકે નર્મદા મહિપરીએજની કેનાલમાં મોટુ ગાબડુ પડતા લાખો લીટર પાણીનો બગાડ થવા પામ્યો હતો અને પુરપાટ વહેતા પાણીના કારણે કેનાલની આજુબાજુના ખેડુતોના ખેતરમાં પાણી ફરી વળયા હતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતોએ વાવેતર કરેલા ઉભા પાકોને તેમજ ખેતર ધોવાણ થતા ખેડુતોને આર્થિક નુકશાન થવા પામ્યુ છે.જેના કારણે ખેડુતોમાં આક્રોશ સાથે તંત્ર પ્રત્યે રોષ ફેલાઈ ગયો હતો.આ કેનાલમાં ગાબડુ પડતા વાવેતર કરેલા પાકો તેમજ ખેતરોના ધોવાણથી ખેડુતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.આ બનાવ બનતા લીંબડી શાખા કેનાલ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે ફરકયા સુધ્ધા ન હોવાના કારણે કેનાલમાં પડેલ ગાબડાના પુરાણ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં ન આવતા ખેડુતોમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.
કપાસના પાકને નુકશાન, જમીનનું થયેલુ ધોવાણ
અમારા ગામમાંથી પસાર થતી લીંબડી માઈનોર નર્મદા મહિપરીએજ કેનાલમાં ગાબડુ પડતા કેનાલનું પાણી અમારા ખેતરમાં ફરી વળ્યુ અને અમારા વાવેતર કરેલા કપાસના ઉભા પાકને તેમજ જમીનનું ધોવાણ થયેલ છે જેનાથી અમારે આર્થિક નુકશાન થયેલ છે.
– અમરશીભાઈ ગઢીયા (ખેડુત )
કોરાડુ નિકળે એટલે રીપેરીંગ કામ કરાશે
લીંબડી બ્રાંચની એલ.ડી.૧૪ કેનાલમાં ગાબડુ પડયુ છે તેનું રીપેરીંગ એજન્સી મારફત કોરુ નીકળે ત્યારે કરાવવામાં આવશે.
– ડી.એ.પટેલ – ના. ઈજનેર