લોકપ્રિય કેફે ચેઇન સીસીડીના સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કૃષ્ણાના જમાઈ સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યા બાદ અનેક ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. લાપત્તા થતાં પહેલા સિદ્ધાર્થે અંતિમ પત્ર લખ્યો હતો જેમાં દેવામાં હોવાની વાત કરી હતી અને કબૂલાત કરી હતી કે, એક કારોબારી તરીકે તે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે પરંતુ તેમની સફર ઉપર નજર કરવામાં આવે તો તેમાં સફળતાઓની કોઇ કમી ન હતી. સિદ્ધાર્થ ભારતના સૌથી સફળ કારોબારીઓમાં હતા જેમની ઓળખ નામથી વધારે કામથી હતી. કાફે કોફી ડેના સ્થાપકે ૫ લાખ રૂપિયાની સાથે પોતાના કારોબારની શરૂઆત કરી હતી અને ટૂંકાગાળામાં જ કોફી કિંગ બની ગયા હતા. એક અબજ ડોલરથી વધારે સંપત્તિના માલિક સિદ્ધાર્થનો કારોબર ખુબ જ રોચક અને પ્રેરક રહ્યા છે. કર્ણાટકના ચીકમેગ્લોરમાં જન્મેલા સિદ્ધાર્થ એવા પરિવારમાં હતા જે લાંબા સમયથી કોફીના ઉત્પાદનમાં જોડાયેલા હતા. મેંગ્લોર યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી લીધા બાદ સિદ્ધાર્થ ખેતી કરીને આરામથી સમય ગાળી શક્યા હોત પરંતુ તેમની ઇચ્છા કઈ કરી બતાવવાની હતી. યુવા સિદ્ધાર્થ ખુબ જ મહત્વકાંક્ષી હતી. ૨૧ વર્ષની વયમાં જ જ્યારે તેઓએ પિતાને મુંબઈ જવા માટે કહ્યું ત્યારે પિતાએ પાંચ લાખ રૂપિયા આપીને રજા આપી દીધી હતી અને એમ પણ કહ્યું હતું કે, જો નિષ્ફળ રહે તો પરત આવીને કારોબાર સંભાળી શકે છે. સિદ્ધાર્થે આ પાંચ લાખ રૂપિયા પૈકી ત્રણ લાખ રૂપિયાની જમીન ખરીદી હતી અને બે લાખ રૂપિયા જમા બેંકમાં કર્યા હતા. ત્યારબાદ મુંબઈ આવીપહોંચ્યા હતા. મુંબઈમાં તેઓએ જેએમ મોર્ગનમાં મેનેજમેન્ટ ટ્રેની તરીકે કામની શરૂઆત કરી હતી. આ ગાળા દરમિયાન તેઓએ શેરબજારમાં ખુબ કુશળતા હાંસલ કરી હતી. નોકરી ખુબ સારી હોવા છતાં પોતાના કારોબારની ત્યારબાદ શરૂઆત કરી હતી. નોકરી છોડીને બેંગ્લોર પરત ફર્યા હતા અને બચેલા બે લાખ રૂપિયાથી નાણાંકીય કંપની ખોલવાની શરૂઆત કરી હતી. સિવાન સિક્યુરિટી સાથે પોતાના સપના પૂર્ણ કરવાની દિશામાં કુચ કરી હતી. મોડેથી આ કંપની વર્ષ ૨૦૦૦માં વે ટુ વેલ્થ સિક્યુરિટી લિમિટેડ બની હતી. સિદ્ધાર્થ ખુબ જ સફળ મૂડીરોકાણ બેંકિંગ અને સ્ટોક બ્રોકિંગ કંપની બનાવવામાં સફળ રહ્યા હતા. આશરે એક દશક સુધી ફાઈનાન્સિયલ સર્વિસમાં હાથ અજમાવ્યા બાદ ૧૯૯૬માં કોફી કેફે ડેની શરૂઆત કરી હતી અને ભારતમાં કોફીના કારોબારમાં એક નવી શરૂઆત કરી હતી. કંપનીની પાસે આજે ૧૭૫૦ કેફે છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રીયા, કરાંચી, દુબઈ અને ચેકગણરાજ્યમાં પણ કંપનીના આઉટલેટ છે. ૫૦૦૦થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. સીસીડી ઓર્ગેનાઇઝ્ડ કેફે સેગ્મેન્ટમાં માર્કેટ લીડર છે. તેની સીધી ટક્કર તાતા ગ્રુપની સ્ટારબક્સની સાથે સાથે બરિસ્તા અને કોફી કોસ્ટા સાથે પણ હતી. સ્ટારબક્સના ભારતમાં ૧૪૬ સ્ટોર રહેલા છે. બે વર્ષની અંદર જ સીસીડીના વિસ્તારની ગતિ વધી હતી અને દેવું વધતું ગયું હતું. ૨૦૧૮માં ૯૦ નાના ફોર્મેટ સ્ટોર બંધ કરી દેવામાં આવ્યા હતા. બેવરેજ કંપની કોકાકોલા ભારતની સૌથી જુની કોફી ચેઇન કેફે કોફી ડેમાં હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી હતી. અનેક પ્રકારના કારોબારમાં તેઓએ રોકાણ કર્યું હતું જેમાં માઇન્ડ ટ્રી, ગ્લોબલ ટેકનોલોજી વેન્ચર્સ લિમિટેડ, ડાર્ક ફોરેસ્ટ ફર્નિચરનો સમાવેશ થાય છે. ૩૦૦૦ એકર જમીન ઉપર કેળાના વૃક્ષો લગાવીને તેમાં પણ હાથ અજમાવ્યો હતો.