સેંસેક્સ ૮૪ પોઇન્ટ સુધરી ૩૭,૪૮૧ની સપાટી ઉપર

885

શેરબજારમાં આજે ભારે અફડાતફડી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં ફરી એકવાર સુધારો થયો હતો. છેલ્લા કેટલાક દિવસથી જારી મંદી બાદ આજે ફરી એકવાર રિકવરીનો દોર રહ્યો હતો. સેંસેક્સ ૮૪ પોઇન્ટ સુધરીને ૩૭૪૮૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ નજીવો સુધારો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન તાતા સ્ટીલ, યશ બેંક, હિરોમોટોમાં સુધારો રહ્યો હતો જ્યારે એક્સિસ બેંક, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૩૨ પોઇન્ટ ઉછળીને ૧૧૧૧૮ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૯૭ પોઇન્ટનો સુધારો થતાં તેની સપાટી ૧૩૬૪૩ રહી હતી. બીએસઈ સ્મોલકેપમાં સપાટી ૧૨૬૯૨ રહી હતી. જીએસટી કાઉન્સિલની બેઠક શનિવારના દિવસે યોજાઈ હતી જેમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક શનિવારના દિવસે મળી હતી. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ચર્ચા વિચારણ બાદ ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીના દરને ૧૨%થી ઘટાડીને ૫% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી જ રીતે ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર પર જીએસટી ૧૮%થી ઘટાડીને ૫% કરી દેવાયો છે. નવા દર ૧લી ઓગષ્ટથી લાગુ કરવામાં આવશે. જુલાઈ મહિનામાં હવે વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોના પરિણામ સ્વરુપે હજુ સુધી ૩૭૫૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. બજેટ ૨૦૧૯-૨૦માં જાહેર કરવામાં આવેલા સુપરરિચ ટેક્સ સહિત વિવિધ પગલાની અસર દેખાઈ રહી છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા પહેલીથી ૨૬મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી ૧૪૩૮૨.૫૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે પરંતુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૧૦૬૨૪.૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. શેરબજારમાં અવિરત મંદીનો દોર ગઇકાલે પણ જારી રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ ઘટીને ૩૭૩૯૭ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ઉલ્લેખનીયરીતે ઘટી ગયો હતો. જો કે, અંતે ૧૦૪ પોઇન્ટ ઘટીને ૧૧૦૮૫ની સપાટીએ રહ્યો હતો.  ગુજરાત ગેસના શેરમાં આજે શરૂઆતી કારોબારમાં ૧૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો જ્યારે કોફી ડે એન્ટરપ્રાઇઝના શેરમાં સતત બીજા દિવસે તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

Previous articleનાકાબંધીના કારણે અમરનાથ યાત્રા મુલત્વી : લોકો અટવાયા
Next articleસરકારે ૨૦૧૯માં ૬ લાખથી વધારે કંપનીઓને તાળા માર્યા