મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ માટે ૮૦ લાખના ખર્ચે નવી ૮ ઈનોવા કાર તથા મહિન્દ્રા એસ.યુ.વી. જેવી કાર લેવાનો નિર્ણય લેવાયો હતો. આ ખર્ચ બિનજરૂરી હોવાના આક્ષેપો સાથે સ્ટેન્ડીંગ કમિટીનાં વિપક્ષ કોંગ્રેસનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ કુલ ૭ જેટલી ખર્ચાળ દરખાસ્તોમાં વિરોધ દર્શાવ્યો હતો.
મ્યુનિસીપલ કોર્પોરેશનની બેઠક સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સ્ટેન્ડીંગ કમિટીમાં વિવિધ વિકાસ કામોની ૪૧ દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બેઠકમાં ડે. કમિશ્નર, મેયર, ડે. મેયર તથા પાંચ સીટી ઈજનેરો સહિત કુલ ૮ કાર રૂ. ૮૧ લાખના ખર્ચે ખરીદવા સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતુ કે, કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા જુદા જુદા વાહનો હાલ વપરાશમાં છે. જે પૈકી મેયર અને ડે. મેયરની ઈનોવા કાર ૨ લાખથી વધુ કિ.મી. અને ૧૦ વર્ષથી વધુ જૂની હોય ત્યારે નિયમ મુજબ નવી કાર ખરીદવા ફાયર વિભાગ અને વર્કશોપ વિભાગના પત્ર મુજબ નિર્ણય કરવામાં આવેલ છે.
સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં કોંગ્રેસના સ્ટેન્ડીંગ કમિટી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ ગત વર્ષે જુલાઈ માસમાં ભારતીય નાણા પંચની રાજકોટ શહેરની મુલાકાતમાં વધારાનો ખર્ચ રૂ. ૩૪ હજાર, ૨૧ જૂનના વિશ્વ યોગ દિનની ઉજવણીમાં વધારાનો ખર્ચ રૂ. ૧૪ હજાર તથા સપ્ટેમ્બર ૨૦૧૭માં રેસકોર્ષ ખાતે યોજાયેલ નવરાત્રી મેળામાં વધારાનો ખર્ચ ૭ હજાર તથા અધિકારીઓ અને પદાધિકારીઓ માટે ખરીદવામાં આવનાર કાર સહિતની કુલ ૭ જેટલી ખર્ચાળ દરખાસ્તોનો વિરોધ કરવામાં આવેલ છે.