પ્રેમિકાને હેરાન કરતો હોવાથી જૂના મિત્રે જ શિહોલીના યુવકની હત્યા કરી હતી

1207

ગાંધીનગરના શિહોલી ગામના યુવકની હત્યાના કેસમાં તેનો જુનો મિત્ર હત્યારો નીકળ્યો છે. મૃતક યુવક આરોપીની પ્રેમિકાને હેરાન અને બ્લેકમેઈલ કરતો હોવાની બાબતે તેની હત્યા થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ચિલોડા પોલીસે આરોપી યુવકને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે સવારે દશેલાથી ધણપ ગામ તરફ જતા રોડ પરના તળાવમાંથી શિહોલી ગામના ૨૧ વર્ષીય પાર્થ પ્રફુલકુમાર જોશીની લાશ મળી હતી. યુવકના પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી પીઆઈએ ટીમ સાથે તપાસ શરૂ કરી ગણતરીના કલકોમાં જ ધણપ ગામના હિમાલય ઉર્ફે દેવ ઠાકરને દબોચી લીધો હતો. તેની પાસેથી હત્યામાં વપરાયેલી લોખંડની એંગલ કબ્જે લીધી છે.

સામાન્ય પરિવારનો પાર્થ મહુન્દ્રામાં પાણીના પ્લાન્ટમાં નોકરી કરતો હતો. રવિવારે સાંજે ૬ વાગ્યાના સુમારે ઘરે આવેલો પાર્થ આરોપીનો ફોન આવતા જમવાનું અડધું મુકીને ગયો હતો. પાર્થ અને આરોપી દેવ બંને જુના મિત્રો જ હતા. પરંતુ એક યુવતી મુદ્દે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુઃખ ચાલતું હતું.

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આરોપીએ દાવો કર્યો છે કે, મૃતક તેની પ્રેમિકાને હેરાન કરતો હતો અને તેને બ્લેકમેલ કરતો હતો. જે મુદ્દે તેણે સોમવારે રાત્રે તળાવ પાસે તેને મળવા બોલાવ્યો હતો. જેમાં બંને વચ્ચે ઝઘડો થતા પહેલાંથી તૈયારી સાથે આવેલા દેવે પાર્થને માથામાં લોખંડની એંગલ મારી દીધી હતી. જે બાદ તેણે પાર્થની લાશને તળાવમાં ફેંકી દીધી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આસપાસ અને મિત્રો પાસેથી પ્રેમપ્રકરણમાં જ યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

Previous articleBRTSમાં ખોટનો વેપારઃ નવ વર્ષમાં અધધધ..૨૫૩.૫૪ કરોડનું નુકસાન.!!
Next articleબોરુ પાટિયા પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા ત્રણના મોત :ત્રણને ઇજા