ગાંધીનગર શહેર અને આસપાસના મુખ્ય માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કીંગની સમસ્યા વકરી છે અને ખાસ કરીને કોમર્શિયલ કોમ્પલેક્ષો બહાર આડેધડ પાર્કીંગના કારણે વાહનચાલકોને અડચણ ઉભી થતી હોય છે. આવી સ્થિતિમાં પોલીસ અને તંત્ર દ્વારા અગાઉ પાર્કીંગ પ્લેસ વગરના આવા કોમ્પલેક્ષોને સીલ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ થોડા દિવસ સુધી આ અભિયાન ચાલ્યા બાદ સ્થિતિ જેમની તેમ થઈ ગઈ હતી.
ત્યારે ન્યુ ગાંધીનગરમાં રીલાયન્સ ચાર રસ્તા નજીક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બહાર સાંજના સમયે આડેધડ વાહન પાર્કીંગના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે જેના પગલે આજે પોલીસ દ્વારા રોડ ઉપર પાર્ક થયેલા આવા વાહનોને લોક મારી દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આ ઝુંબેશ અગાઉની જેમ નામ પુરતી જ રહી ના જાય અને વાહનચાલકોને ભાન ના થાય ત્યા સુધી ચાલુ રાખવી જોઈએ તેવી સ્થાનિકો પણ માંગ કરી રહયા છે. આ વિસ્તારની સાથે ગાંધીનગર શહેરમાં પણ આ ઝુંબેશ શરૂ કરવી જરૂરી છે.