ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ચોમાસાની મોસમ પુર્ણબહારમાં ખીલી હોય તેમ વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આ વરસાદની અસર જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા ૧૨ કલાકથી ઝરમર વરસાદની અવિરત ગતિ ચાલુ રહેતાં અષાઢ મહિનામાં શ્રાવણી માહોલ અનુભવવા મળી રહ્યો છે. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ પણ ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી હાશકારો મેળવ્યો છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા છેલ્લા બે દિવસથી મન મુકીને મહેર કરી રહ્યાં છે. તેના પગલે ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો રાજ્યના પાટનગરમાં જ મન મુકીને વરસાદ વરસતો ન હોય તેમ અનુભવવા મળી રહ્યું છે. આમ ભારે વરસાદની વચ્ચે રાજ્યના અન્ય શહેરોની સાથે સાથે પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં પણ આ વરસાદી માહોલ અનુભવવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન આ વરસાદની ગતિ ચાલુ રહી હતી.
તો બીજી તરફ જિલ્લાના દહેગામ, માણસા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આમ મંગળવારે પણ દિવસ દરમિયાન ઝરમર વરસાદ સમગ્ર જિલ્લામાં ચાલુ રહ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો વરસાદી માહોલમાં તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો છે. મંગળવારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીે પહોંચી ગયું હતું. તો ભેજના પ્રમાણમાં વધારો થવાના પગલે દિવસ દરમિયાન વરસાદની ગતિ ચાલુ રહેતાં અષાઢ માસમાં શ્રાવણી માહોલ નગજનોને અનુભવવા મળ્યો હતો. આમ ઠંડક પ્રસરી જતાં નગરજનોએ પણ ઉકળાટ અને બફારા ભર્યા વાતાવરણમાંથી હાશકારો મેળવ્યો છે.
ચારેય તાલુકામાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશાલી વ્યાપી છે. ત્યારે વરસાદના પગલે મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર પણ પાણી ભરાયા હતા તો ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેર વિસ્તારના નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા