આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાયો

458

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનના પુત્ર અને ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને રામપુર પોલીસે આજે કસ્ટડીમાં લઇલીધા હતા. પોલીસ જોહર યુનિવર્સિટીમાં ચોરી થયેલા પુસ્તકોના મામલામાં તપાસ કરવા માટે પહોંચી હતી. એવો આક્ષેપ કરાયો છે કે, અબ્દુલ્લા આઝમ ખાને પોલીસની કાર્યવાહીમાં અડચણો ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા.

અબ્દુલ્લાની સામે મંગળવારના દિવસે બોગસ વય પ્રમાણપત્ર લગાવીને પાસપોર્ટ હાંસલ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ આક્ષેપ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. રિપોર્ટના કહેવા મુજબ પોલીસ જોહર યુનિવર્સિટીમાં પુસ્તકોના ચોરીના મામલામાં દરોડા પાડી રહી છે.

યુનિવર્સિટીની સામે એક સ્થાનિક મદરેસાએ એવી ફરિયાદ કરી હતી કે, મોટી સંખ્યામાં હસ્તલીપી અને સદીઓ જુના પુસ્તકો મદરેસામાંથી ચોરી કરી લેવામાં આવ્યા હતા. આ મામલામાં એફઆઈઆર ૧૬મી જૂનના દિવસે દાખલ કરવામાં આવી હતી. એવા આક્ષેપ છે કે, આ પુસ્તકો જોહર યુનિવર્સિટીમાં છે. પોલીસે મંગળવારના દિવસે યુનિવર્સિટીમાં દરોડા પાડ્યા હતા અને ૧૦૦થી વધુ એવા પુસ્તકો જપ્ત કરી લીધા હતા જે મદરેસા સાથે જોડાયેલા છે. ત્યારબાદ આજે પણ વ્યાપક દરોડાની કાર્યવાહી જારી રહી હતી. પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન અબ્દુલ્લા આઝમ ખાને અડચણો ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ લોકલ ડીએસપી દ્વારા તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ કરવામાં આવશે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી મળી શકી નથી. રામપુરમાં સિવિલ લાઇનમાં દાખલ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અબ્દુલ્લા આઝમ ખાને બોગસ દસ્તાવેજોના આધાર પર પાસપોર્ટ બનાવ્યા છે. ભાજપના નેતા આકાશ સક્સેના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

Previous articleCCD માલિક સિદ્ધાર્થનો મૃતદેહ નદીમાંથી મળ્યો
Next articleઆસામ-બિહારમાં પુરથી એક કરોડથી વધુ લોકોને અસર