વડોદરામાં સવારે ૬થી રાતના ૮ વાગ્યામાં સુધીમાં પડેલા ૧૮ ઇંચ વરસાદના કારણે શહેરમાં ચારે બાજુ પાણી જ પાણી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા હાથ ધરીછે. બે આઇ એ એસ અધિકારીઓ વિનોદ રાવ અને લોચન શહેરાને તાત્કાલિક વડોદરા પહોંચી સ્થાનિક તંત્રનું માર્ગદર્શન કરવા સુચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વયં વડોદરા શહેરની વરસાદી સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. વડોદરા શહેરના નીચાણ વાળા વિસ્તારના લોકો ના સલામત સ્થળે ખસી જવા અને સ્થળાંતરમાં તંત્રને સહયોગ આપવા નાગરિકો ને અનુરોધ કર્યો છે. ભારે વરસાદના કારણે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને અસર પહોંચી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.