વડોદરામાં કલાકોના ગાળામાં જ ૧૮ ઇંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વડોદરામાં આભ ફાટતા ચાર કલાકના ગાળામાં જ ૧૮ ઇંચથી વધુ વરસાદ થતાં જનજીવન સંપૂર્ણ ઠપ થઇ ગયું હતું. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ઉપર પહોંચી ગઈ હતી. વરસાદના પગલે આવતીકાલે ખાનગી અને સરકારી સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા જતી અનેક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
વડોદરાના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા હતા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. વડોદરામાં આજે બપોર બાદ આફ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બપોરે બેથી ચાર વાગ્યા વચ્ચે એટલે કે બે કલાકમાં છ ઇંચ અને ત્યારબાદ ચારથી છ વાગ્યા વચ્ચે વધુ ચાર ઇંચ વરસાદ થતાં ચાર કલાકના ટુંકાગાળામાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચી છે. ભયજનક સપાટી વિશ્વામિત્રી નદીમાં ૨૨ ફૂટ ઉપર છે જ્યારે હાલમાં સપાટી ૨૦ ફૂટ ઉપર પહોંચી હતી જેથી લોકોના જીવ ઉંચા થઇ ગયા છે. સ્કુલ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વધુ મુુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે સવારથી જ જોરદાર માહોલ જામ્યા બાદ વડોદરામાં બપોર બાદ હાલત કફોડી થઇ હતી.
વડોદરામાં આજે ચાર કલાકમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં આખુ વડોદરા જાણે જળમગ્ન બની ગયુ હતુ. ન્યાયમંદિર, પાણીગેટ, સ્ટેશન વિસ્તાર, સયાજીગંજ, અલકાપુરી, જેતલપુર, રાવપુરા, અકોટા, જેલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વડોદરામાં કેટલાક વિસ્તારોમાં તો પાંચથી છ ફુટ સુધીના ઉંડા પાણી ભરાઇ ગયા હતા, જેના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનની ધજ્જિયાં ઉડી ગઇ હતી. નીચાણવાળા વિસ્તારો તો જાણે બેટમાં ફેરવાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, થાંભલા અને દિવાલો ધરાશયી થવાના છૂટાછવાયા બનાવો પણ સામે આવ્યા હતા, જેમાં પાંચથી વધુ લોકોને બચાવી લેવાયા હતા. જો કે, બે-અઢી કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં વડોદરામાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળતુ હતુ, જેને લઇ વડોદરા મનપા સત્તાધીશો પર માછલા ધોવાયા હતા.
પાદરામાં પણ ભારે વરસાદના કારણે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા. તો, દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, કામરેજ, પલસાણા, માંડવી, નવસારી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સુરતમાં ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠી વહી રહી હતી. તો કીમ નદી પણ વરસાદી નીરના કારણે બે કાંઠે વહેતી થઇ હતી. જેના કારણે કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા હતા. માંડવીના કાંકરાપોર ડેમ પણ નવા નીરના કારણે ઓવરફલો થયો હતો. નવસારીની અંબિકા નદી નવા નીરની આવક થતાં ભયજનક સપાટીએ વહેતાં તંત્રએ કિનારાના અને આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા હતા અને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડયા હતા. ઓઝત-૨ ડેમ પણ ઓવરફલો થતાં તેના દરવાજા ખોલવામાં આવતાં કિનારાના ગામોને એલર્ટ કરાયા હતા. આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, કચ્છના અનેક ગામડા અને પંથકોમાં પણ સારી એવી મેઘમહેર જારી રહી હતી. જેના કારણે કચ્છ-ભુજ, ગાંધીધામના અનેક પંથકો અને વિસ્તારો ત્રણથી ચાર ફુટ પાણીમાં ગરકાવ બન્યા હતા. તો, ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ સાર્વત્રિક વરસાદની કૃપા ચાલુ રાખી હતી. જેના કારણે ખેડૂતઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પડેલો ભારે વરસાદ
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં મોનસુન જોરદારરીતે સક્રિય રહેતા ભારેથી અતિ ભારે વરસાદ આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, ભરુચ અને દમણમાં અતિભારે વરસાદ પડ્યો હતો. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. રાજ્યના ૨૧૬ તાલુકાઓણાં વરસાદ થયો છે જેમાં જામનગર તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. જોડિયામાં છ, કચ્છના માંડવી તાલુકામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. બનાસકાંઠા અને વલસાડમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરુચ, નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદ ઘણા સ્થળો ઉપર થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદમાં પણ ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો જેમ કે દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, મોરબી, રાજકોટ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પાટણ, નવસારીમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. તંત્ર દ્વારા ભારે વરસાદની ચેતવણીના પગલા સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજયનાં ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભુમિ દ્વારકા, સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
તે ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ જામનગર ખાતે ૭ ઇંચ વરસાદ વરસ્યો હોવાનાં અહેવાલ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૧/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન જામનગર તાલુકામાં ૧૭૩ મી.મી એટલે કે સાત ઇંચ, જોડીયામાં ૧૪૬ મી.મી, કચ્છનાં માંડવી તાલુકામાં ૧૩૭ મી.મી, કપરાડામાં ૧૨૧ મી.મી, તથા ખંભાળીયામાં ૧૧૬ મી.મી, ઓલપાડમાં ૧૧૦ મી.મી અને ધ્રોલમાં ૧૦૯ મી.મી મળીને સાત તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ ૩૧ તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચથી સુધીનો વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડ્યો હતો. જેમાં કામરેજ, વાપી, વઘઇ, માંગરોળ(સુરત), સુરત શહેર, હાંસોટ, મુંદ્રા, અબડાસા, માંડવી(સુરત), ઉમરપાડા, ચોર્યાસી, અંજાર, બારડોલી, લખપત, પોરબંદર, વાંસદા, સુબિર, નખત્રાણા, વ્યારા, ઉમરગામ, સોનગઢ, ઉચ્છલ, વલસાડ, માંગરોળ(જુનાગઢ), વિસાવદર, ધરમપુર, પલસાણા, ભેંસણ, નેત્રંગ, સુત્રાપાડા અને ડોલવણ તાલુકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યનાં ૨૬ તાલુકાઓમાં એક ઇંચ થી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ગુજરાત : મેઘો મહેરબાન થતાં ૩૩ જળાશય ૫૦ ટકા ભરાયા
છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. અત્યારસુધીમાં રાજ્યમાં મૌસમનો સરેરાશ ૪૦.૫૬ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેને પગલે રાજ્યની પાણીની સમસ્યા કંઇક અંશે હલ થઇ છે અને હજુ બે દિવસ સુધી સાર અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોઇ રાજયના વધુ ડેમો અને નદી નાળા છલકાય તેવી પૂરી શકયતા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ, દેવભૂમિ દ્વારકા, સુરત અને કચ્છ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ ૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૫.૮૯ ટકા ભરાયું છે. રાજ્યમાં હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેક પાણીની આવક થઈ છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીના જથ્થો સંગ્રહાયેલો છે. ભારે વરસાદ વચ્ચે મોટાભાગના જળાશયોમાં સંગ્રહશક્તિ વધી છે.
વડોદરા શહેરમાં વિજળી પુરવઠો પણ ખોરવાયો…
વડોદરામાં આજે કલાકોના ગાળામાં જ ૧૧ ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો પણ બન્યા છે. વિજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકોને અંધારપટમાં રહેવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડ અને વિજ કંપનીઓની ટીમો સતત દોડતી થઇ હતી. વિજ કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગદોડ કરતા નજરે પડ્યા હતા જ્યારે બીજી બાજુ સાવચેતીના પગલારુપે પણ કેટલીક જગ્યાઓએ વિજ પુરવઠો બંધ કરાયો હતો. નિચાણવાળા તમામ વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા. અનેક વિસ્તારો સંપૂર્ક વિહોણા પણ થયા હતા. વાહન ચાલકોને અન્યત્ર રુટ પર જવાની ફરજ પડી હતી.