ભાવનગર શહેર-જિલ્લામાં સર્વત્ર મેઘમહેર.

731

રાજ્યભરમાં વરસાદની આગાહીનાં પગલે આજે ભાવનગર શહેર તથા જિલ્લાભરમાં સર્વત્ર મેઘમહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લાભરમાં અડધાથી બે ઇંચ સુધીનો વરસાદ રાત્રીનાં ૮ વાગ્યા સુધીમાં નોંધાયો હતો.

છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં ભારે વરસાદની તંત્ર દ્વારા અપાયેલી આગાહીનાં પગલે રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર વરસી રહ્યા છે. ભાવનગર જિલ્લાનાં વલભીપુર તથા ઉમરાળામાં પણ ગત રાત્રીનાં ૫ થી ૭ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે પણ જિલ્લાભરમાં અડધાથી બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોવાનાં સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. ભાવનગર શહેરમાં સવારથી ગોરંભાયેલા વાદળો બપોરે ૩ વાગ્યા બાદ વરસ્યા હતા અને મોડી સાંજ સુધી ધીમીધારનો વરસાદ શરૂ રહ્યો હતો. જેના પગલે શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદનાં પગલે શહેરનાં નિંચાણવાળા વિસ્તારોનાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં ઉમરાળા તથા પાલીતાણા પંથકમાં આજે બે ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે તળાજા અને સિહોર પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઘોઘા, જેસર, વલ્લભીપુર, મહુવા સહિત પંથકમાં અડધાથી સવાઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોહિલવાડ પંથકમાં સર્વત્ર વરસાદનાં પગલે ચેકડેમો, નાળા તથા નદીઓમાં નવા નીર આવ્યા હતા. જ્યારે સમયસરનો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડકનો અનુભવ સાથે તાપમાનનો પારો પણ ૩૦ ડીગ્રીથી નીચે ઉતરી જવા પામ્યો હતો.

Previous articleસિહોરમાં કોંગ્રેસ દ્વારા પાણી અને સફાઇ માટે આવેદન પત્ર અપાયું
Next articleહાઉસફુલ-૪ સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હશે