ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની એસીઝ શ્રેણીની આજે રોચક શરૂઆત થઇ હતી. આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર માઇકલ સ્ટાર્ક હોટફેવરિટ બનેલો છે. માઇકલ સ્ટાર્કનું કહેવું છે કે, ઘરઆંગણે ઇઁગ્લેન્ડની ટીમ પ્રબળ દાવેદાર તરીકે છે. ઇંગ્લેન્ડના મેદાન ઉપર ઓસ્ટ્રેલિયાએ લાંબા સમયથી વધારે મેચો જીતી નથી. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડની ટીમ મજબૂત દાવેદાર તરીકે દેખાઈ રહી છે. એજબેસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા ઝડપી બોલર માઇકલ સ્ટાર્કે કહ્યું છે કે, ઇંગ્લેન્ડની ટીમ સામે જોરદાર દેખાવ કરવા માટે ટીમ ઉત્સુક છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૭૧મી એસિઝ શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે. ૧૮૮૨માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સત્તાવારરીતે પ્રથમ એસીઝ શ્રેણીની શરૂઆત થઇ હતી. ૩૩ શ્રેણી ઓસ્ટ્રેલિયાએ જીતી છે જ્યારે ૩૨ શ્રેણી ઇંગ્લેન્ડે જીતી છે જ્યારે પાંચ શ્રેણી ડ્રોમાં પરિણમી છે. ૧૯૭૨માં છેલ્લી વખતે એસીઝ શ્રેણી ડ્રોમાં પરિણમી હતી. તે વખતે બંને ટીમોએ બે-બે ટેસ્ટ મેચો જીતી હતી. ઇંગ્લેન્ડે આ સ્થિતિમાં એસીઝ શ્રેણીને જાળવી રાખી હતી. માઇકલ સ્ટાર્કના કહેવા મુજબ ઓસ્ટ્રેલિયા પોતાના દેખાવને સુધારવા માટે ઇચ્છુક છે. એકંદરે આંકડા ઉપર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડ કરતા આગળ રહી છે. તેમની વચ્ચે હજુ સુધી હેડ ટુ હેડ કુલ ૩૪૬ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ઓસ્ટ્રેલિયામાં ૧૮૦ અને ઇંગ્લેન્ડમાં ૧૬૬ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશમાં ૫૫ ટેસ્ટ મેચો જીતી છે. ઇંગ્લેન્ડમાં પણ ઓસ્ટ્રેલિયાના દેખાવનો આંકડો વધુ સારો રહ્યો છે. ઇંગ્લેન્ડમાં રમાયેલી કુલ ટેસ્ટ મેચો પૈકી ૬૬ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૧૮૦ ટેસ્ટ મેચો પૈકી ૨૮ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. છેલ્લી પાંચ શ્રેણીની વાત કરવામાં આવે તો છેલ્લે ૨૦૧૭-૧૮માં યજમાન દેશ તરીકે ઓસ્ટ્રેલિયાએ ૪-૦થી શ્રેણી જીતી હતી. હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ બદલો લેવા માટે તૈયાર છે. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપમાં જીત મેળવ્યા બાદ સીધીરીતે મેદાનમાં ઉતરી રહી છે. આયર્લેન્ડ સામે કંગાળ દેખાવ કર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ વનડે ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન તરીકેની છાપ સાથે રમવા માટે ઇચ્છુક છે. જોય રુટ, જેસન રોય, બેરશો અને બેન સ્ટોક ઉપર તમામની નજર કેન્દ્રીત રહશે જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ પર નજર રહેશે.