૧૬૧ દેશ સાથે સંકળાયેલી ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં નોનવેજ પર પ્રતિબંધ છે

606

વિશ્વના કોઇ પણ દેશમાંથી સ્ટુડન્ટસ આવે કે ઓફિસર્સ અમે શાકાહારી ભોજન જ આપીએ છીએ કારણ કે અમારી શિક્ષણ સંસ્થામાં માંસાહારની સખત મનાઇ છે. આ શબ્દો ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યૂનિવર્સિટીના ડાયરેકટર જનરલ જે.એન.વ્યાસના. તેઓ વધુમાં કહે છે ’ઇટાલી, ફ્રાંસ, સ્વીડન કે  મેકિસકો જે દેશમાં જાવ તો ત્યાં એ દેશનું જ ફૂડ મળે છે તો પછી ભારતમાં પણ ભારતીય પરંપરા મુજબ શાકાહારી ફૂડ જ મળવું જરૃરી છે. આ નિયમ યુનિવર્સિટીની સ્થાપના થઇ ત્યારથી રાખવામાં આવ્યો હતો જેનું ચૂસ્ત પાલન કરવામાં આવે છે.

આફ્રિકાથી આવેલા એક તાલીમાર્થી ગુ્રપે જણાવ્યું કે ફોરેન્સિકની તાલીમ જેટલો જ અદ્ભૂત અનુભવ અમારા માટે વેજ ફૂડનો રહયો છે. અત્યાર સુધી હંમેશા માછલી અને સી ફૂડ જ ખોરાકમાં લીધું હતું જયારે શાકાહારી ભોજનનો પ્રથમ વાર પરીચય થયો. દરરોજ શીરો તથા વેજીટેબલ શાક, દાળ, ભાતની ડીસના ફોટા પાડીને મોબાઇલ પર પરીવારના સભ્યોને મોકલીએ છીએ. જલબી, પૌઆ તથા થેપલા જેવી કેટલીક શાકાહારી વાનગીઓની રેસિપી પણ શીખી છે એટલું જ નહી તેઓને ભાત અને સબ્જી વધારે પસંદ પડે છે. આ ઉપરાંત બર્મા અને બાંગ્લાદેશથી આવેલા તાલીમાર્થી ગુ્રપે પણ પ્રથમ વાર ગુજરાતી ભોજનનો સ્વાદ ચાખ્યો હોવાનું જણાવ્યું હતું.

યુનિવર્સિટીમાં શાકાહારી ભોજન આપવાનો આગ્રહ વિદેશીઓના જીવનનો યાદગાર અનુભવ બની જાય છે, ફોરેન્સિક નોલેજની સાથે ભારતીય કલ્ચરનો પણ સહજ રીતે પરિચય થાય છે. એટલું જ નહીં ગુજરાતની ઓળખ ગણાતા ખાખરા અચૂક લઇને જાય છે. આ અંગે વધુ વાત કરતા ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ટ્રેનિગ વિભાગના આ.રજિસ્ટ્રાર જી.પી. દરબાર કહે છે કેટલાક વિદેશી મહેમાનો તો વેજ ઇન્સ્ટન્ટ મેકર પણ લઇ જાય છે એટલું જ નહી ફૂડ અંગે ફિડબેકમાં કોઇ જ ફરિયાદ જોવા મળતી નથી. વિદેશી મહેમાનોને ચણાપુરી, ભાજીપાંઉ, સેવ ટામેટા પુલાવ અને વઘારેલી ખીચડીની રેસિપી વિશે જાણવામાં ખૂબ રસ પડે છે. તેઓ ભોજન સમયે કિચનમાં રેસિપી અંગે પણ જાણકારી મેળવવા ઉત્સૂક હોય છે. આજ સુધી કોઇ બીમાર પડયું નથી કે કોઇ પણ પ્રકારની શારીરિક તકલીફ પણ થઇ નથી.

જે.એન.વ્યાસ કહે છે ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વના ૧૬૧ દેશ સાથે સંકળાયેલી છે. ફોરેન્સિક ક્ષેત્રની વિશ્વની એક માત્ર યુનિવર્સિટી પોતાની આગવી શાકાહારી પરંપરા માટે પણ જાણીતી છે. ફોરેન્સિક યુનિવર્સિટીમાં આફ્રિકા, યુરોપ અને અમેરિકાના ઇન્વેસ્ટિગેશન અને લો ઓર્ડર સાથે સંકળાયેલા ઘણા ઓફિસર્સ મુલાકાતે આવે છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા થતા ફોરેન્સિક સાયન્સ એગ્રીમેન્ટ હેઠળ દુનિયાના વિવિધ દેશોના અધિકારીઓના ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ આયોજન થાય છે. ભૂટાન, બાંગ્લાદેશ, નાઇજિરિયા, કેન્યા, તાન્ઝાનિયા, યુગાન્ડા, કઝાકિસ્તાન અને ઝિમ્બાબ્વે જેવા દેશોના ઓફિસર્સ પણ સમયાંતરે ફોરેન્સિક તાલીમ માટે આવે છે. દુનિયાના કોઇપણ દેશના ઓફિસર્સ તાલીમ માટે કે સ્ટુડન્ટસ અભ્યાસ માટે આવે તેના માટે પણ શાકાહારી ભારતીય ભોજન જ બને છે. વિવિધ દેશોની તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા માણસો તાલીમ દરમિયાન શાકાહારી વાનગીઓના વિશિષ્ટ અનુભવનું ભાથું લઇને પોતાના દેશમાં વેજિટેરિયન ફૂડનો પ્રચાર કરે છે જે આપણા માટે ગૌરવની વાત છે.

ડેપ્યૂટી રજિસ્ટાર આર.એન.ગુણા કહે છે ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે જે એન વ્યાસ અનેક એવોર્ડ અને પુરસ્કારોથી સન્માનિત થયા છે. ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સી ઇન્ટરપોલના મેમ્બર બનનારા એક માત્ર એશિયન હતા. તેઓ હંમેશા શાકાહારી ફૂડ અને ભારતીય પરંપરાઓના હિમાયતી રહ્યા હોવાથી યૂનિવર્સિટીમાં શાકાહાર જ આપવામાં આવે છે. ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રે દાયકાઓ સુધી સેવા આપ્યા પછી ફોરેન્સિક યૂનિવર્સિટીની સ્થાપનામાં તેમનું ખૂબજ મોટું યોગદાન છે.

Previous articleવડોદરાઃ જીવન જરૂરિયાતની ચીજો માટે ફાંફા, દૂધ-શાકભાજીની અછત
Next articleગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન શ્રદ્ધા-ભક્તિના સમન્વય સાથે અદભુત કલાકૃતિ