ગાંધીનગરમાં ત્રણ વર્ષમાં ૮૩૦ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત

549

પહોળા અને પાકા રસ્તા ગાંધીનગરની આગવી ઓળખ છે ત્યારે આ જ રસ્તાઓ ઉપર અકસ્માતોમાં સેંકડો વાહનચાલકોએ જીવ ગુમાવ્યાના બનાવો પણ બન્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં કુલ મળીને ૮૩૦ જેટલા વ્યક્તિઓએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

ગત ર૦૧૮માં શહેરમાં ૧૯૭ જ્યારે જિલ્લામાં ૭૩૬ અકસ્માતો નોંધાયા છે. આ અકસ્માતોના આંકડા અને તેના સર્વે ઉપર નજર કરીએ તો શિયાળા અને ચોમાસાની સીઝન કરતાં ઉનાળામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધુ હોય છે એટલું જ નહીં માદક દ્રવ્યના સેવન, મોબાઈલનો ઉપયોગ તથા વાહનચાલકોની ભુલથી જ મોટાભાગના અકસ્માતો થતાં હોય છે. જ્યારે ફકત ત્રણ ટકા અકસ્માતો ખરાબ રસ્તાના કારણે થતાં હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.

કોઈ રોગચાળો કે બિમારી કરતાં વધારે લોકો અકસ્માતથી મરતાં હોય છે. ત્યારે એક બાજુ વાહનોની સંખ્યા વધવાની સાથેસાથે બીજી બાજુ ટ્રાફિક સેન્સ ભુલાતી જતી હોય તેમ લાગી રહયું છે. ટ્રાફિકના નિયમોને નેવે મુકીને વાહનચાલકો પુરપાટ ઝડપે ગફલતભરી રીતે વાહન દોડાવતાં હોય છે જેના કારણે ગમખ્વાર અકસ્માતો પણ થતાં હોય છે. આ અકસ્માતોમાં માનવ મૃત્યુના આંક ચિંતાજનક રીતે વધી રહયા છે. એક સર્વે પ્રમાણે દેશ અને દુનિયામાં આતંકવાદના કારણે થતાં મૃત્યુની સંખ્યા કરતાં માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યા ૧૬૯ ગણી વધારે છે.

ત્યારે માર્ગ સલામતીને લગતી બાબતો પર વાહનચાલકોએ પુરતું ધ્યાન રાખવું જોઈએ તેમ વસાહત મહામંડળના પ્રમુખ અરૃણ બુચે જણાવ્યું હતું. ગાંધીનગર શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના આંકડાઓ પણ તેમણે આપ્યા હતા. વર્ષ ર૦૧૬માં અકસ્માતોની સંખ્યા અને તેમાં મૃત્યુ આંક પણ વધુ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર શહેરમાં વર્ષ ર૦૧૬માં ૮૧૨ માર્ગ અકસ્માત થયા હતા જેમાંથી ર૮ વ્યક્તિઓના મોત નોંધાયા છે. જ્યારે આ જ વર્ષમાં જિલ્લામાં ૭૪૦ અકસ્માતોમાં ર૪૮ વ્યક્તિના મોત થયા છે. ર૦૧૭માં આવી જ રીતે શહેર અને જિલ્લામાં મળીને ૯૦૦થી વધારે અકસ્માતો થયા છે જેમાં ર૬૧ વ્યક્તિના મોત પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે વર્ષ ર૦૧૮માં માર્ગ અકસ્માતના કુલ ૧૦૦૦ જેટલા બનાવો બન્યા છે જે પૈકી ર૯૩ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. માર્ગ અકસ્માતમાં વાહનની ઉંમર પણ મહત્વનું કારણ ગણવામાં આવે છે. નવા વાહનોમાં વધુ અકસ્માત થયા હોવાનું જાણવા મળી રહયું છે.

વાહન હંકારતી વખતે મોબાઈલનો ઉપયોગ જીવલેણ

માર્ગ અકસ્માતના કિસ્સાઓનો સર્વે કરતાં તેમાં ડ્રાઈવર દ્વારા માદક દ્રવ્યોનું સેવન કર્યું હોવાના બનાવો વધુ હતાં જેથી આ ડ્રાઈવરોએ ડ્રાઈવીંગ વખતે માદક દ્રવ્યોનું સેવન નહીં કરવું જોઈએ આ ઉપરાંત માર્ગ અકસ્માતના માત્ર ત્રણ ટકા અકસ્માત ખરાબ રસ્તાના કારણે થતાં હોવાનું સર્વેમાં ધ્યાનમાં આવ્યું છે તો છેલ્લા બે વર્ષમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે માર્ગ અકસ્માત થવાના કિસ્સા વધ્યા છે.

Previous articleવિવિધ બેન્કોમાં લોકો ૭.૧૭ લાખની બનાવટી ચલણી નોટો જમા કરાવી ગયા
Next articleઅમદાવાદની સાબરમતી નદીમાં પાણી વધ્યુ : ૧૨ ગામો હાઈએલર્ટ