ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના પાટનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમર વરસાદ ચાલુ રહેવા પામ્યો છે. તો બીજી તરફ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ દિવસ દરમિયાન છુટા છવાયા ઝાપટા પડી રહ્યાં છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં મન મુકીને મહેર કરતાં મેઘરાજા ગાંધીનગર જિલ્લામાં રિસાયા હોય તેમ મહેર પણ કરતાં નથી. આમ બુધવારે શહેરમાં સાત એમ.એમ. વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોને પણ ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી છુટકારો મળ્યો છે.
રાજ્યના અન્ય વિસ્તારોમાં મેઘરાજા હાલમાં મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે હજુ સુધી જોઇએ તેટલો વરસાદ વરસ્યો નથી. જુલાઇ માસ પુર્ણ થવા છતાં અત્યાર સુધી ફક્ત ૧૮ ટકા જેટલો વરસાદ વરસતાં ખેડૂતો પણ ચિંતીત થયાં છે ત્યારે હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વાતાવરણની અસર ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર જોવા મળી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઝરમર વરસાદના પગલે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે. તો લોકોએ પણ ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી છુટકારો મેળવ્યો તેમ ઝરમર વરસાદને પણ આવકારી રહ્યાં છે.
વર્ષ ૨૦૧૭માં જુલાઇ માસ સુધીમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ચુક્યો હતો. ત્યારે છેલ્લા બે વર્ષથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની મોસમનો ફક્ત ૧૮ ટકા જેટલો વરસાદ જુલાઇ મહિના સુધી વરસ્યો છે. આમ છેલ્લા ત્રણ દિવસથી ઝરમર વરસાદ ચાલુ રહેતાં ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા છે. તો દિવસ દરમિયાન ગાંધીનગર શહેરમાં સાત એમ.એમ. જેટલો વરસાદ પડયો હતો.
જ્યારે અન્ય તાલુકાઓમાં પાંચથી છ એમ. એમ. જેટલો વરસાદ નોંધાયો હતો.આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે તો ઝરમર વરસાદના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે. ત્યારે આ વર્ષે શરૂ થયેલી ચોમાસાની મોસમમાં અત્યાર સુધી ગાંધીનગર શહેરમાં ફક્ત છ ઇંચ જેટલો વરસાદ પડયો છે.