સૌરાષ્ટ્ર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મોનસુન જોરદારરીતે સક્રિય રહેલું છે. અતિભારે વરસાદ વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં હાલત કફોડી બનેલી છે. ભારેથી અતિભારે વરસાદ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, ભરુચ, નવસારી, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, મહિસાગર, પાટણ, આણંદ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં થયો છે જેના કારણે આ તમામ ભાગોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે જેમાં જુનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાઓએ લોકો પણ અટવાઈ પડ્યા છે. ખાસ કરીને આજે પણ વરસાદી માહોલમાં મહેસાણા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો.
બીજી બાજુ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે અકબંધ રાખવામાં આવી છે. દરમિયાન વરસાદી આંકડા દર્શાવે છે કે, રાજ્યના ૨૩૮ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે. ૨૮ તાલુકાઓમાં ચાર ઇંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ૧૧૨ તાલુકાઓમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ વરસાદ ૪૬.૧૫ ટકા નોંધાઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહુધામાં આઠ ઇંચ, હાલોલમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. રાજયભરમાં આજે પણ મેઘરાજા જોરદાર મહેરબાન રહ્યા હતા અને સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો. જો કે, આજે ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સારો એવો અને નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક ૮ પૈકી ૬ તાલુકામાં સારો એવો વરસાદ થયો હતો. જેમાં જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલીમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાટણના સિધ્ધપુરમાં ચાર ઈંચ, બનાસકાંઠાના અમીરગઢ અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સાડા ત્રણ ઈંચ અને મહેસાણાના ઊંઝા, સતલાસણા તથા મહેસાણા અઢીથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. જ્યારે ગાંધીનગર જિલ્લામાં કલોલ અને ગાંધીનગરમાં એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની બહુ જોરદાર આવક થઇ છે. ધરોઇ ડેમના ઉપરવાસમાં સારા વરસાદના કારણે ગઇકાલે તા.૩૦ જુલાઇ વહેલી સવારથી વરસાદી પાણીની આવક શરૂ થઇ છે. આ સ્થિતિ ૧૬ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૨૦૦૪માં થઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રતિ દિન ૧૭ કરોડ લિટર વપરાશને જોતાં લગભગ ૨ દિવસ સુધી ચાલે એટલું એટલે કે ૪૪.૮૦ કરોડ લિટર પાણી ધરોઇ ડેમમાં ઉમેરાયું છે. કડીનું થોળ તળાવ પણ સતત બીજા વર્ષે જુલાઇ માસ પૂરો થવા છતાં ભરાયું નથી. છેલ્લા સાત વર્ષમાં બીજી વખત આવું બન્યું છે. જો કે, ધરોઇ ડેમમાં પાણીની સારી એવી આવક થતાં તંત્રની સાથે સાથે ખેડૂતોએ પણ ભારે ખુશીની લાગણી અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં આજે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર સહિતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા., આ તમામ જિલ્લાના તાલુકાઓમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે લોકોએ ચોમાસાના માહોલની મોજ માણી હતી.