વડોદરામાં માત્ર ૧૪ કલાકમાં જ ૨૧ ઈંચ વરસાદ ખાબકતા વડોદરા શહેર આખુ જાણે જળમગ્ન બન્યું છે ત્યારે હવે મેઘતાંડવ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે વડોદરાવાસીઓ વધુ એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ૨૧ ઇંચ જેટલા અતિ ભારે વરસાદ અને પૂરના પાણીમાં હવે વિશ્વામિત્રી નદીના મગરો પણ વડોદરામાં લોકોના ઘરો, મકાનો અને સોસાયટીઓ, દુકાનો-બજારો સુધી તરત આવી ગયા છે. રહેણાંક વિસ્તારોમાં મગરો અને તેના બચ્ચાંઓને જોઇને વડોદરાવાસીઓ સહિત રાજયના અન્ય પ્રજાજનોમાં પણ ભારે આશ્ચર્યની લાગણી ફેલાઇ ગઇ છે. ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં આવી ચઢેલા મગરો અને તેના બચ્ચાઓને લઇ વડોદરાવાસીઓમાં ખાસ કરીને મહિલા અને બાળકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
મગરો પૂરના પાણીમાં રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓ અને મકાનો સુધી ઘૂસી આવ્યો હોવાની મળેલી વ્યાપક ફરિયાદો બાદ તંત્ર અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના જવાનોએ મગરોને પકડી પકડીને તેને પાછા વિશ્વામિત્રી નદીના પાણીમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરામાં ગઇકાલે આભ ફાટયા બાદ હવે શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી હતી. જેના કારણે વિશ્વામિત્રી નદીમાં રહેતા ૩૦૦ મગર હવે ઘર અને બજારોમાં ઘુસે એવી શક્યતાઓ છે. આ અગાઉ વર્ષો પહેલાં જયારે વડોદરામાં પૂર આવ્યું ત્યારે શહેરની વિવિધ સોસાયટી, બજારો અને ઘરમાં મગરો ઘુસી ગયા હતા અને લોકો પર હુમલા કર્યાના બનાવો બન્યા હતા. આ વખતે પણ મેઘતાંડવ બાદ જળબંબાકાર અને પૂરના પાણી ફરી વળતાં વડોદરાના કેટલાક રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ અને મકાનોમાં મગરો અને તેના બચ્ચાં પાણી સાથે ઘૂસી આવ્યા હતા. જેને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. વડોદરાના શહેરના લાલબાગ પાસે આવેલી રાજસ્તમ્ભ સોસાયટીમા મગરે કૂતરાને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાં ચાર મગર દેખાતા તુરંત જ લોકોએ વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સવારે ૮ વાગ્યાથી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. મહામહેનત બાદ બપોરે ૧ વાગ્યે મગર પકડાયો હતો. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ટીમના પુષ્પક કોટિયા એ જણાવ્યું હતું કે, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલાં તળાવમાંથી ચાર જેટલા મગર રાજ સ્તમ્ભ સોસાયટીમાં ઘૂસી ગયા હોવાની અમને માહિતી મળી હતી. જેથી અમે અમારી ટીમના છ સભ્યો રેસ્ક્યુ માટે પહોંચ્યા હતા. મગરને પકડીને સલામત સ્થળે છોડવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ મગરમચ્છ પકડી લેવાયા છે.