ભાવનગર શહેરના તળાજા રોડ પર બુધેલ નજીક આવેલ નાગધણીબાના તળાવમાં ન્હાવા પડેલ ત્રણ યુવાનો ડુબ્યા હતાં જેમાં એક યુવાનનું મોત થયું હતું જયારે અન્ય બે યુવાનોને તરવૈયાઓએ બચાવી લીધા હતાં.
ભાવનગર પંથકમાં હાલમાં ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે નદી-નાળા, તળાવો, ચેકડેમોમાં નવા નીરની આવક થવા પામી હોય તેમાં ન્હાવાની લોકો મોજ માણી રહ્યા છે ત્યારે આજે ઘોઘા તાલુકાના ઉખરલા ગામના ત્રણ યુવાનો નાગધણીબા ગામે પહોંચ્યા હતા જયાં તળાવમાં ન્હાવા પડતા ત્રણેય યુવાનો ડુબવા લાગ્યા હતાં. આથી તુરંત જ તરવૈયાઓને જાણ કરવામાં આવતા તરવૈયાઓએ આવીને યુવાનોને બહાર કાઢયા હતાં. પરંતુ ડુબી જતા હર્મિલેશ વલ્લભભાઈ ચૌહાણ (ઉ.વ.૧૮) નામના યુવાનનું મોત થતા ગામમાં શોકનું મોજુ ફેલાયું હતું.