અલ્પેશ ઠાકોરને વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. વિધાનસભામાં વેલમાં ઘસી આવતા અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. અલ્પેશ ઠાકોર પ્રશ્નોતરીકાળ દરમિયાન દારુના મુદ્દે બોલવા માંગતા હતા, ત્યારે અધ્યક્ષની ટકોર છતા અલ્પેશ ઠાકોર વારંવાર ઊભા થતા અને વેલમાં ધસી આવતા હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા છે. સસ્પેન્ડ કરાયા બાદ અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, દારૂબંધી મુદ્દે મને વિધાનસભામા બોલવા ના દેવાયો. દારૂબંધી છતા કરોડો રૂપિયાનો દારૂ ક્યાથી આવે છે
કોંગ્રેસે ગૃહમાં મગફળી ઉછાળી ખેડૂતોનો પ્રશ્ન રજુ કર્યો
હર્ષદભાઈ રીબડીયાએ ગૃહમાં મગફળી ઉછાળી વિરોધ નોંધાવ્યો હતો અને વહેલમાં ધસી આવ્યા હતા અધ્યક્ષે તેમને ગૃહમાંથી દૂર કરવાના હુકમો કરતાં સાર્જન્ટો દ્વારા તેમને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા. બજેટનું પ્રવચન શરૂ થતાં જ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણસએ પોતાની રજુઆત માટે ઉભા થયા હતા અને ત્યાંરે કોંગ્રેસના સભ્યોએ ઉભા થઈ સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. ભારે સૂત્રોચ્ચાર વચ્ચે નર્મદાના પાણી અને વિજય રૂપાણીને લઈ સૂત્રોચ્ચારો સાથે વહેલમાં ધસી આવ્યા હતા અને છેવટે તેમણે બજેટના સત્રનો બહિષ્કાર કર્યો હતો જયારે અપક્ષ જિજ્ઞેશ મેવાણીએ બેસી રહેવાનું ઉચિત માન્યું હતું. એક તબકકે તેઓ પણ નિતિનભાઈને જવાબ આપવા પ્રયત્ન કર્યો હતો.
ધારાસભ્યનું સરનામુ ત્રણ ટર્મથી ચૂંટાતા હોવા છતાં ગાયબ થઈ ગયું છે
અશ્વિનભાઈ કોટવાલ ૩ વાર ચૂંટાયા હોવા છતાં પોતાના અધિકાર માટે તેમણે પોઈન્ટ ઓફ ઈન્ફર્મેશન ઉઠાવી પોતાની રજુઆત કરતાં જણાવ્યું હતું કે વિધાનસભામાં ૩ વાર ચૂંટાયા હોવા છતાં મને આજ સુધી વિધાનસભા તરફથી મળતો કોઈ પણ પત્ર મળતો નથી. મારું બાપદાદાના વખતનું સરનામું કયાંકથી ગોતી લાવ્યા છે જે આજ દિન સુધી મારી સાથે મજાક થતી હોય તેમ લાગે છે અને તેમાં સુધારો કરવો જોઈએ. અધ્યક્ષે આ બાબતને સ્વિકારી તેમના નવા સરનામે મોકલવા માટે સંમતિ અને તે માટેની કાર્યવાહી કરવાના હુકમ કર્યા હતા. જો કે ચર્ચા એ હતી કે છેલ્લા આટલા વર્ષથી ધારાસભ્યનું સરનામું ખોવાઈ ગયું હોય તેવી ગૃહની પ્રથમ ઘટના હશે જે માટે તેમણે ગૃહમાં સીધી રજુઆત કરવી પડી હોય.
ખાલી ડબ્બો વાગે ઘણો જેવો કોંગ્રેસનો ઘાટ છે : નિતિનભાઈ
કોંગ્રેસ પાસે કશુ જ નથી જેથી ભાજપે ખરીદેલી મગફળીને લીધે તેમના પેટમાં તેલ રેડાયું છે અને પરેશભાઈ વિપક્ષના નેતા બન્યા છે તે કોઈને ગમ્યું નથી તેથી અમરેલીના જ અને અન્ય પાછલી પાટલીમાંથી ઉભા થઈને આગળ આવી જાય છે. જેથી પરેશભાઈ નિષ્ફળ રહે અને કેન્દ્ર દ્વારા તેમને બદલવામાં આવે જેથી કાવત્રુ કરી રહ્યા છે. પરેશભાઈ સારા છે તેમને સલાહ છે તેવું કહી તેમણે ફરી એકવાર બજેટ પ્રવચન શરૂ કર્યુ હતું.
સમયનું ચક્ર ફરતાં મહાનુભાવો ગૃહના બદલે પ્રેક્ષક ગેલેરીમાં
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા પ્રેક્ષક ગેલેરીમાં બેસી બજેટ સાંભળતાં જોવા મળ્યા હતા. આ સાથે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, આત્મારામભાઈ પરમાર, રણછોડભાઈ રબારી, જસાભાઈ બારડ ઉપરાંત ભરતસિંહ પરમાર, ધનસુખભાઈ ભંડેરી, અશોકભાઈ પટેલ સહિત કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ પ્રેક્ષક ગેલેરીમાં બેસી બજેટ સાંભળતા જોવા મળ્યા હતા. જોકે ચર્ચા એ હતી કે પૂર્વ અધ્યક્ષ રમણભાઈ અધ્યક્ષ ગેલેરીમાં હોવાને બદલે પ્રેક્ષક ગેલેરીમાં હતા તે વિષય કુતુહલ જગાવ્યું હતું.