ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડવૉરનો અંત લાવવા બંને દેશો વચ્ચે ૧૨મા રાઉંડની બેઠક નિષ્ફળ રહ્યાના બીજા જ દિવસે અમેરિકાએ વધારે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. અમેરિકાએ ચીનના વધુ ૩૦૦ અબજ ડૉલરની ચીજવસ્તુઓ પર ૧૦ ટકાની ડ્યુટી લાદી છે.
અમેરિકાના આ નિર્ણયથી દુનિયાની બંને સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વ્યાપાર યુદ્ધ વધારે ઉગ્ર બનશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ચીની વસ્તુઓની આયાત પર નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જે ૧ સપ્ટેમ્બરથી લાગુ થશે.
ટ્રમ્પે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, અમારા પ્રતિનિધિઓ હાલ જ ચીનમાંથી પરત ફર્યા છે. ચીનમાં તેમણે એક ભવિષ્યની વ્યાપાર સમજુતિ સંબંધે રચનાત્મક વાતચીત કરી હતી. અમને હતું કે, અમે ત્રણ મહિના પહેલા જ ચીન સાથે એક વ્યાપાર સમજુતિ કરી લઈશું, પણ દુઃખની વાત એ છે કે, ચીનએ હસ્તાક્ષર કરતા પહેલા આ સોદા પર ફરીથી વાતચીત કરવાનો નિર્ણય લીધો.
સાથે જ તેમણે ટિ્વટમાં લખ્યું છે કે- વ્યાપારને લઈને વાતચીત યથાવત છે. જો કે આ વાતચીતની પ્રક્રિયા વચ્ચે અમેરિકા ૧ સપ્ટેમ્બરથી ચીનના વધુ ૩૦૦ અબજ ડોલરના માલસામાન અને ચીજવસ્તુ પર ૧૦ ટકાનો ટેરિફ લાગુ કરશે.
બે દિવસ પહેલા જ અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર અને ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મનુચિનની આગેવાની હેઠળ એક ટીમે શાંઘાઈમાં મંગળવાર અને બુધવારે એક હાઈલેવલની બેઠક ચીની અધિકારીઓ સાથે કરી હતી. વાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને પક્ષે ફોર્સ્ડ ટેક્નોલોજી ટ્રાંસફર, બૌદ્ધિક સંપદા અધિકારો, સેવાઓ, નોન-ટેરિફ સંબંધી મુશ્કેલીઓ અને કૃષિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.