મગદલ્લામાં વરસાદના પાણીના સંગ્રહ ને લઈ સોસાયટીના એક માથાભારે ઇસમે સાળા-બનેવી અને મિત્રોની મદદથી સોસાયટીના ૧૦થી વધુ લોકોને જાહેરમાં ફટકાર્યા હતા. ગુરુવારની મધરાત્રે થયેલા આ ઝૈંડામાં હુમલાખોરોએ સોસાયટીની મહિલાઓને પણ ઘસડી ઘસડીને પાઇપ વડે માર માર્યો હતો. ઘટનાની જાણ બાદ દોડી ગયેલી ઉમરા પોલીસની હાજરીમાં પણ હુમલાખોર હિરેન બોધનવાલા આણી મંડળીએ ૧૦-૧૨ નિર્દોષ સોસાયટીવાસીઓ પર હુમલો કરી પોતાનો ધાક દેખાડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા તમામને સારવાર માટે સિવિલ ખસેડાતા સુમન આનંદ સોસાયટીના પ્રમુખ અને ઉપ પ્રમુખને દાખલ કરવા પડ્યા હતા. હિરેન બોધનવાલા વિરુદ્ધ ૧૫ દિવસ પહેલા પણ ઉમરા અને પોલીસ કમિશનર ને અરજી કરાઈ સોસાયટીવાસીઓ અસુરક્ષિત હોવા બાબતે ધ્યાન દોરાયું હોય એવું ઇજાગ્રસ્ત ચપકભાઈ ભાટિયાએ જણાવ્યું હતું.
ચંપકભાઈએ જણાવ્યું હતું કે હાલ પીવાના પાણીની ઉભી થયેલી સમસ્યા ને લઈ ચોમાસા પહેલા જ તેમની સુમન આનંદ સોસાયટીના સભ્યો દ્વારા વરસાદી પાણીના સંગ્રહ ને લઈ સુંદર આયોજન કરાયું હતું. જે બાબતે સોસાયટીના તમામ સભ્યો મંજૂર થયા હતા. ત્યારબાદ એક ટાંકી બનાવી અગાસીથી લઈ ડોર ટુ ડોર ગેલેરીમાં પાઇપ ફિટિંગ કરી વરસાદી પાણીને સ્ટોરેજ ટાંકી સુધી લઈ આવવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જોકે, પાછળથી સોસાયટીના એક સભ્ય હિરેનભાઈ બોધનવાલાને આ બાબતે વાંધો પડ્યો હતો. અને તેમણે ઝઘડા શરૂ કરી તમામને ગંદી ગાળો આપતા હતા. આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ ઉમરા પોલીસ ફરાર હિરેન સહિત ૮ જણા ને શોધી રહી છે.