પાલનપુરના કુશ્કલ પાટીયા પાસે ગામની અંદર વળતી વખતે કારને ડીસા તરફથી આવતી બોલેરો ટક્કર મારતાં કારમાં સવાર શિક્ષિકાનું મોત નિપજ્યું હતું. જ્યારે ૫ શિક્ષકો સહિત ૮ ઘાયલ થયા હતા.
દાંતીવાડા તાલુકાની રામસણ પ્રા.શાળા અને ડાંગીયા પ્રા. શાળાના શિક્ષકો ગુરૂવારે સવારે કાર લઇ સ્કૂલે જઇ રહ્યા હતા. ત્યારે પાલનપુર તાલુકાના કુશ્કલ ગામના પાટિયા પાસે ડીસા તરફથી આવતી બોલેરોએ કારને ધડાકાભેર ટક્કર મારી હતી.
ટક્કર માર્યા પછી બોલેરો રોડની બાજુમાં ચોકડીઓમાં ફંગોળાઇ ગઇ હતી. જેમાં કારમાં બેઠેલા શિક્ષકો સહિત બોલેરોમાં સવાર ૩ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી.
અકસ્માતને પગલે આજુબાજુથી લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં ડાંગીયા પ્રા.શાળાના શિક્ષિકા મૂળ સાબરકાંઠાના ભિલોડા ગામના અને હાલ પાલનપુર રહેતાં શારદાબેન શંકરભાઇ ખરાડી (ઉં.વ.૪૭)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.