ગુજરાત રાજ્ય મહિલા આયોગનાં ચેરમેન લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને આજે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા કોમ્યુનિટી હોલ વેરાવળ ખાતે મહિલા સબંધિત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં મહિલાઓને કાયદાકીય રક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે મહિલા આયોગનાં ચેરમેન લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, મહિલાઓને સમાજમાં સમાન હક્ક આપવામાં આપવામાં આવેલ છે. મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પણ સરકારે અલગ થી કાયદો અમલી કરી મહિલાઓને આજના સમયમાં ઝડપથી ન્યાય મળી રહે છે. મહિલાઓને આત્મ રક્ષણ, જાતિય સલામતી, સમાન હક્ક માટે સરકારે નારી અદાલતો કાર્યરત કરી છે જેમાં મહિલાઓ વીના સંકોચે ફરિયાદ કરી શકે છે અને તેમને પુરતો ન્યાય આપવામાં આવે છે.
પાણી પુરાવઠા રાજ્યમંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, મહિલાઓને આત્મસન્માન સાથે રક્ષણ મળી રહે તે માટે આજે મહિલા આયોગ આપણા આંગણે આવ્યું છે. મહિલાઓને જરૂરી માર્ગદર્શન અને કાયદાકીય ન્યાય માટે મહિલા આયોગ કટીબધ્ધ છે.
મહિલા આયોગના સભ્ય સચિવ/અધિક કલેકટર વિણાબેન પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં ૨૪૦ નારી અદાલતો કાર્યરત હોવાની સાથે મહિલાઓના આર્થિક વિકાસ માટે ૩૦૦ જેટલી યોજનાઓ અમલી બનાવી છે. નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે, આજે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ છે. સોમનાથ સંસ્કૃત યુનિ.કુલપતિ અર્કનાથ ચૌધરીએ કહ્યું હતું કે, આજના ડિઝિટલ યુગમાં દિકરીઓએ ઉચ્ચકક્ષા સુધીનો અભ્યાસ કરવો જોઈએ.