મેઘરાજાનું રાજકોટ ભણી પ્રયાણ : ૮ ઈંચ વરસાદ

857

સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાં આજે પણ અતિભારે વરસાદ જારી રહ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ અનેક પથકોને ધમરોળ્યા હતા. વડોદરા બાદ રાજકોટમાં આજે અતિભારે વરસાદ કલાકોના ગાળામાં જ તુટી પડ્યો હતો. જેના કારણે સમગ્ર રાજકોટ પણ બેટમાં ફેરવાઈ ગયું હતું. રાજકોટમાં પાંચ કલાકના ગાળામાં જ આઠ ઈંચથી વધુ વરસાદ થતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જનજીવન સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું. ચારે બાજુ પાણી ભરાયા હતા. વડોદરા બાદ રાજકોટ પણ પાણી પાણી થતા હાલત કફોડી બની હતી. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ કોર્પોરેશન દ્વારા તરત જ કામગીરી હાથ ધરાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ૧ હજારથી વધુ લોકોને સુરક્ષિત ખસેડી લેવાયા હતા. ભારે વરસાદ વચ્ચે રાજકોટ-ગોંડલ હાઈવે પર ચકાજામની સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં જોરદાર પાણી ભરાઈ જતા જુદા જુદા બચાવ ટુંકડી તેનાત કરવામાં આવી હતી. બીજી બાજુ અન્યત્ર પણ વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં પંચમહાલ, આણંદ, ખેડા, ડાંગ, વલસાડ, જુનાગઢ, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર પંથકમાં આજે ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા હતા. ખાસ કરીને રાજકોટ, અમરેલી, ગોંડલ, ગીરગઢડા, ઉના સહિતના અનેકે પંથકોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અસર રાજકોટ, અમરેલી અને ગોંડલ સહિતના પંથકોમાં જોવા મળી હતી. રાજકોટમાં તો કલાકોના ગાળામાં જ આઠ ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. ભારે અને ધોધમાર વરસાદના કારણે સમગ્ર રાજકોટમાં ઠેર-ઠેર જળબંબાકારના દ્રશ્યો જોવા મળતા હતા. ખાસ કરીને રાજકોટની આજી નદીમાં તો, વરસાદી અને નવા નીરના કારણે ઘોડાપૂર આવ્યા હતા. આજી નદીએ ફરી એકવાર આ સીઝનમાં રામનાથ મહાદેવનો અદ્‌ભુત જળાભિષેક કર્યો હતો, જે દ્રશ્યો જોવા શ્રધ્ધાળુઓ પણ ભારે ધાર્મિક આસ્થા સાથે ત્યાં ઉમટયા હતા. રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ગોંડલ સહિતના પંથકોમાં પણ ચારથી સાડા ચાર ઇઁચ વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. રાજકોટમાં આજે ભારે વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટના પોપટપરા, સોરઠિયા સર્કલ, લક્ષ્મીનગર નાળા, યાજ્ઞિક રોડ, જવાહર રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ, ત્રિકોણ બાગ, માધાપર ચોકડી, સહિતના વિસ્તારો તો જાણે બેથી ચાર ઉંડા પાણીમાં ગરકાવ બન્યા હતા. રાજકોટમાં ભારે વરસાદ બાદ એક નાળામાં સ્કૂલ વાન બંધ પડી ગઈ હતી. જેને લઈને વિદ્યાર્થીઓએ ગાડીને ધક્કો માર્યો હતો અને સ્થાનિક લોકોની મદદથી વાન બહાર કાઢવામાં આવી હતી. દરમ્યાન ગીર ગઢડા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રાજકોટની આજી નદી ગાંડીતૂર બની હતી અને તેમાં ઘોડાપૂર આવ્યા હતા.  આ જ પ્રકારે અમરેલી, ગોંડલ સહિતના પંથકોમાં પણ ચાર ઇઁચથી વધુ વરસાદ વરસતાં ત્યાં પણ જળબંબાકાર અને પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી હતી. અનેક ગામડાઓ, રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ બન્યા હતા. ગીર ગઢડા પાસે ફરેડા રોડ પરથી પસાર થતાં ઝરણાનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. જ્યારે મેંદરડામાં સતત ૪થા દિવસે એક કલાકમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદ પડ્‌યો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગિરનાર પર ધોધમાર વરસાદ પડતાં સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. આ સાથે જ ભારે વરસાદનાં પગલે દામોદર કુંડ પાસે એક ગાય પણ ફસાઈ હતી. જેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગોંડલ પંથકમાં શીવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી) અને વસાવડા સહિતના અનેક ગામોમાં બે થી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવાગામ અને લીલાખામાં ચાર ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

ભારે વરસાદને લઈને વસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ સાથે જ અરજણસુખ, સજાડયાળી, માંડલકુંડલા, વિજીવડ સહિતના ગામોમાં વરસાદ પડ્‌યો હતો. ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળતાં ગોંડલથી દેરડી(કુંભાજી), મોટી કુંકાવાવ, બગસરા જતાં માર્ગનો વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ જ પ્રકારે ઉના પંથકમાં પણ બેથી ચાર ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા ઉનાના સામતેર, સીલોજ સહિતના પંથકોમાં પાણી ફરી વળ્યા હતા. ગીર ગઢડાનાં હરમડિયામાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં નવા નીર આવતાં નદી બે કાંઠે બની હતી. મેઘરાજાની કૃપાદ્રષ્ટિને લઇ ફરી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ખેતરમાં કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

Previous articleવડોદરા : પુરના પાણી ઉતર્યા પણ મુશ્કેલીઓ હજુ અકબંધ
Next articleદામનગરમાં બહેનોના તાલીમ વર્ગનો પ્રારંભ