કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણોસર એકાએક અમરનાથ યાત્રા બંધ કરવાનો ગઈકાલે આદેશ કર્યો હતો. સાથે-સાથે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાંથી તમામ પ્રવાસીઓને તાત્કાલિક નિકળી જવાની પણ એડવાઈઝરી સરકારે બહાર પાડી છે. આ કારણથી વૈશ્નોદેવી તથા અમરનાથના યાત્રીઓ તેમજ શ્રીનગર-ગુલમર્ગ ગયેલા સહેલાણીઓનો જમ્મુ તરફ ધસારો વધી ગયો છે
પ્રવાસીઓ માટે કાશ્મીર છોડવાનું સરકારી ફરમાન જારી થતાં જ એરલાઈનોને બખ્ખાં થઈ ગયાં છે. દિલ્હી સહિતના અન્ય ભારતીય શહેરોના વિમાનભાડાં પણ ચારથી પાંચ ગણા વધી ગયા છે. હજી શુક્રવાર સુધી જ જમ્મુથી દિલ્હીનું વિમાનભાડું રૂ. ૩ હજારની આસપાસ હતું તે શનિવારે વધીને રૂ. ૮ હજાર અને રવિવાર માટે તો રૂ. ૧૨ હજારની આસપાસ બોલાઈ રહ્યું છે. અક્ષર ટ્રાવેલ્સના જનરલ મેનેજર સુહાગભાઈએ જણાવ્યું હતું કે, ખાનગી એરલાઈનો પર કોઈનું નિયંત્રણ નથી. આ કારણથી તેઓ મનફાવે તેવું ભાડું ઊઘરાવી રહી છે. એર ઈન્ડિયા ઉપરાંત ગો એર, ઈન્ડિગો, વિસ્તારા, સ્પાઈસ જેટ અને એર એશિયાનાં ભાડાં પણ રૂ. ૧૦ હજાર જેટલા વધી ગયા છે. વિવિધ બુકિંગ સાઈટ પર આજનું જમ્મુથી અમદાવાદનું એરફેર રૂ. ૧૫ હજારથી વધુ દર્શાવાઈ રહ્યું છે અને તેમાં પણ ૧-૨ સીટ જ ખાલી દેખાડે છે.
જમ્મુમાં પ્રવાસીઓના સતત આગમન ઉપરાંત ત્યાંથી રવાના થવા માટેની ટિકિટ ન મળતાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે વધુ એક મુસીબત થઈ છે. સામાન્ય દિવસોમાં જમ્મુમાં ડબલબેડના હોટલરૂમનું ભાડું રૂ. ૧ હજારની આસપાસ હોય છે તેના અત્યારે રૂ. ૩ હજારથી રૂ. ૫ હજાર વસૂલવામાં આવે છે. આમાં સૌથી વધુ ભોગ ગુજરાતી લોકો બન્યા છે. ખાનગી ટેક્સીવાળા પણ દિલ્હીની વર્ધી માટે ત્રણથી ચાર ગણું ભાડું વસૂલી રહ્યા છે.