હાઉસિંગ બોર્ડના ૨૫ વર્ષથી વધુ જુના મકાનોનો પુનઃ વિકાસ કે પુનઃ નિર્માણ હવે શક્ય બનશે

572

ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧ને વધુ સુધારવા બાબતનું આ સુધારા વિધેયક તા. ૨૨.૦૨.૨૦૧૯ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ હતું અને રાજ્યપાલ દ્વારા  ૦૮.૦૩.૧૯ ના રોજ રાષ્ટ્રપતિને અનુમતિ માટે મોકલવામાં આવ્યુ હતું જેના પર આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે એવું વૈધાનિક રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

જાડેજાએ ઉમેર્યું કે, આ અધિનિયમની જોગવાઇઓનો અમલ કરતી વખતે રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે, આ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુનઃવિકાસની આવશ્યકતા હોવા છતાં, આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારા (ભોગવટે દારો) તમામ સભ્યોની સર્વસંમતિના અભાવે આવો પુનઃવિકાસ કરવો શક્ય ન હતો. આવા મકાનોનો સમયસર પુનઃવિકાસ કરવામાં ન આવે, તો તેમા રહેતા લોકોનું જીવન જોખમમાં મૂકાય તેવી સંભાવના હોવાથી, આ મુશ્કેલીઓનું નિવારણ લાવવાના હેતુથી આ અધિનિયમમાં યોગ્ય સુધારા કરવામાં આવ્યા છે.

આ સુધારા વિધેયકમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે મકાનોને ૨૫ વર્ષથી વધુ સમય થયો હોય અને તેમાં વસવાટ કરનારા વ્યક્તિઓ પૈકી ૭૫%થી ઓછી ન હોય તેવી સંખ્યામાં સંમત્તિ આપવામાં આવે તો આ પ્રકારના મકાનોનું પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસ કરી શકાશે. આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારામાંથી ૭૫ ટકાથી ઓછા નહિ તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારાની સંમતિ મેળવ્યા પછી જ આવા જુના મકાનોના પુનઃવિકાસ માટેની જોગવાઇ કરવાના હેતુથી આ અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ સભ્યોની સંમત્તિ મેળવીને ૨૫ વર્ષ કરતાં વધુ સમય થયો હોય તેવા મકાનોનો પુનઃ વિકાસ કે પુનઃ નિર્માણ કરવાનો નિર્ણય કરે ત્યારે બોર્ડ અથવા બોર્ડે નિયુકત કરેલ કોઇ એજન્સીએ તે મકાનમાં વસવાટ કરનાર માલિકો અને ભોગવટાકાર વ્યક્તિઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે.

આમ, હવે ગુજરાતમાં આ પ્રકરના જુના મકાનોને સ્થાને નવા મકાનો પુનઃ નિર્માણ પામશે અને જ્યાં સુધી નવા મકાનો બને નહિ ત્યાં સુધી મૂળ માલિકો અને ભોગવટો કરનારાઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે.

Previous articleશાળા કોલેજો પાસે રોમિયોગીરી અટકાવવા પોલીસની ખાસ ડ્રાઈવ
Next articleસ્થાપના દિને જ ગાંધીનગરના જુના સેક્ટરો પાણી ન આવ્યું