સૂચનાઓ જાહેર કરવામાં અનિયમિતતા અને બેદરકારી દાખવવા માટે આરબીઆઈએ એકવાર ફરી બેન્કોને દંડ ફટકાર્યો છે. જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેન્ક પર ૫૦ લાખ રુપિયાનો દંડ લાગ્યો છે. પીએનબીએ શનિવારે શેર માર્કેટમાં મોકલેલી સૂચનામાં જણાવવામાં આવ્યું હતું કે, કિંગફિશર એરલાઇન્સના એક ખાતમાં ગડબડીની માહિતી સમયસર ન આપતા આ દંડ ફટકારવામાં આવ્યો હતો. બેન્ક ઓફ બરોડાને પણ આરબીઆઈએ ૫૦ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.
આ સિવાય અલાહાબાદ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રને બે-બે કરોડ રુપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ યાદીમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા પર દોઢ-દોઢ કરોડ રુપિયાનો દંડ, તેમજ ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સને એક કરોડ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પહેલા આરબીઆઈએ જાહેરાત કરતા જણાવ્યું કે, ૩૧ જૂલાઇ ૨૦૧૯ના આદેશ હેઠળ સાત બેન્કો પર નાણાંકીય દંડ લગાવવામાં આવ્યો હતો. આ દંડ ચાલુ ખાતા ખોલવા અને તેમના સંચાલન માટે આચાર સંહિતાની કેટલીક જોગવાઇઓનું પાલન ન કરવા મામલે આ દંડ ફટકારવામાં આવ્યો હતો. આરબીઆઇએ જણાવ્યું હતું કે, તેણે કોર્પોરેશન બેન્ક પર સાયબર સુરક્ષા મામલે નિયમોનું પાલન ન થતા એક કરોડ રુપિયાનો દંડ કર્યો છે.
આરબીઆઈએ વ્યક્તિગત લેણદારો દ્વારા સમય પહેલા દેવુ ચૂકવવા પર નોન બેન્કિંગ નાણાંકીય કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતા દંડ પર રોક લગાવી દીધી હતી. જો કે નવો નિયમ ક્યારે લાગુ થશે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.